Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

પોરબંદરમાં ગેરકાયદે બાંધકામો સામેનું નિવેદન ભ્રામક ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧: નગરપાલીકા ટાઉન પ્‍લાનીંગ કમીટીના ચેરમેન નામે કેટલાક લોકો બાંધકામ સ્‍થળે જઇને રૂપીયા પડાવતા હોય તેવી જાણકારી બાદ ટાઉન પ્‍લાનીંગ કમીટીના ચેરમેને આ રૂપીયા પડાવનારાઓની જાણ કરવા અપીલ કરતુ નિવેદન આપ્‍યું હતું. ટી.પી. કમીટીના આ નિવેદન લોકોએ આવકારેલ છે. પરંતુ કેટલાક લોકો આ નિવેદનને ભ્રામક ગણાવી રહયાની ચર્ચા ઉઠી છે.

નગર પાલીકામાં બાંધકામની મંજુરી પહેલા મીઠુ મ્‍હોં કરાવવુ પડતુ હોવાનો અગાઉ વિરોધપક્ષના નગર સેવકોએ અનેક વખત પર્દાફાશ કર્યો હતો અને આ બાબતે નગર પાલીકાઓના પ્રાદેશીક કમિશ્રર અને સરકારમાં ઉચ્‍ચ કક્ષાએ રજુઆતો કરી હતી. નગર પાલીકામાં બાંધકામની પરવાનગીમાં ચીફ ઓફીસર સહી કરતા નથી અને અને ટી.પી. કમીટીના ચેરમેનની સહીથી બાંધકામ મંજુરી અપાય છે તેવી ફરીયાદો છે.

નગર પાલીકાના પ્રમુખ અને ટી.પી. કમીટીના ચેરમેનપદે પંકજભાઇ મજીઠીયા હતા તે સમયે ભુતકાળમાં સુદામા ચોકમાં જાહેરમાં બાંધકામ મંજુરીઓ આપવાનું આયોજન કરેલ હતું અને બાંધકામ મંજુરીની અરજીઓ નકશા સાથે આવી તે મુજબ ચીફ ઓફીસરની સહીથી જાહેરમાં બાંધકામ મંજુરીઓ અપાઇ હતી. પરંતુ એક ચર્ચા મુજબ જાહેરમાં બાંધકામ મંજુરીઓ સામે ઉહાપો મચી ગયો હતો ત્‍યાર બાદ પાલીકા પ્રમુખપદેથી તથા ટી.પી.કમીટીના ચેરમેનપદેથી પંકજભાઇને રાજીનામુ આપવુ પડયું હતું. લોકોની ફરીયાદો મુજબ વર્તમાન સમયે પાલીકામાં બાંધકામ મંજુરીઓ મેળવવાનું મુશ્‍કેલ છે. તેવા સમયે ટી.પી. કમીટીના ચેરમેન  દ્વારા અપાયેલ નિવેદન ભ્રામક હોવાની ચર્ચા થઇ રહી છે. નગરપાલીકામાં બાંધકામ મંજુરીઓ લાવવા ઉંડાણપુર્વક તપાસ થાય તે જરૂરી બન્‍યું છે.

(12:00 pm IST)