Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મોરબી-માળીયાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા રજૂઆત.

મોરબી જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મોડા આવ્યા પણ ધોધમાર આવ્યા અને એટલા વરસ્યા કે હવે લીલા દુષ્કાળની સ્થિતિનું સર્જન થવા પામ્યું છે. જેને પગલે ખેડૂતો દ્વારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેખિત રજુઆત કરીને મોરબી-માળીયાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે

જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાએ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી અને માળીયા(મી) તાલુકામાં સતત પડેલ વરસાદના કારણે વાવણી નિષ્ફળ જવાના તેમજ વાવણી પછીના ખેડકાર્યો જેવા કે નિંદામણ, આંતરખેડ, વગેરે સમયસર ન થઇ શકેલ હોય પાકના ઉત્પાદન ઉપર માઠી અસર થવાની સંભાવાના છે. મોરબી અને માળીયા(મી) તાલુકામાં બિન પીયત વિસ્તાર હોવાના કારણે વરસાદ આધારીત ખેતી મોટા પાયે કરવામાં આવે છે તેથી ખેડૂત હિતમાં આ બે તાલુકાઓને ખાસ કિસ્સામાં વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(12:38 am IST)