Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મોરબીના સામાકાંઠે વોર્ડ ન 4માં પ્રાથમિક સુવિધા મામલે ભાજપના કાઉન્સિલરની આત્મવિલોપનની ચીમકી: 10 દિવસનું અલ્ટીમેટમ

અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા ભાજપના કાઉન્સિલર તંત્ર સામે મેદાને પડ્યા

મોરબી : મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર 4 માં આવેલ પછાત વિસ્તારોમાં વર્ષો પછી પ્રાથમિક સુવિધાથી વંચિત છે વર્ષોથી આ વિસ્તારોની બદતર હાલત છે.સફાઈ,લાઈટ, ગટર, સહિતની સમસ્યાઓના ગંજ ખડકાયા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આ અંગે અનેક રજુઆત કરવા છતાં તંત્રના બહેરા કાને ન અથડાતા અંતે વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સીલરે તંત્ર સામે મેદાને આવ્યા છે તેમણે કલેકટરને રજુઆત કરીને જો વોર્ડ નંબર 4માં પ્રાથમિક સુવિધાઓ મામલે 10 દિવસમાં તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

મોરબીના સામાકાંઠે આવેલ વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકીએ કલેકટરને રજુઆત કરી હતી કે, વોર્ડ નંબર 4 માં આવતા હાઉસિંગ બોર્ડ અને સોઓરડી સહિતની સોસાયટીઓ તેમજ પછાત વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.જેના કારણે આ વિસ્તારની નર્કથી બદતર હાલત થઈ ગઈ છે.આ વિસ્તારમાં લાઈટ, ગટર અને રોડ રસ્તા તથા સફાઈનો ગંભીર પ્રશ્ને છે ખાસ કરીને નિયમિત સફાઈ જ થતી હોવાથી ભૂગર્ભ ગટર વારંવાર ચોંકાઅપ થવાથી ઉભરાઈ છે અને ઠેરઠેર કચરાના ગંજ છે.હાલ વરસાદી વાતાવરણ હોવાના કારણે કચરાના ગંજ અને ગટર ઉભરાતા ભયકર ગંદકી છે.

પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાથી રોગચાળા વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે.તેમજ પાવન પાર્ક, સોઓરડી, ભુવનેશ્વર પાર્ક, મહાવીર પાર્ક, હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રોડ બિસમાર હાલતમાં છે.તેમજ આ વિસ્તારની મોટાભગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.જોકે હાલ નવરાત્રી અને બાદમાં દિવાળી પણ અંધારપટમાં ઉજવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સમસ્યાઓ મામલે અનેક વખત રજૂઆતો કરી છે.પણ તંત્રએ ક્યારેય દાદ દીધી નથી.આથી તેમણે કલેકટર રજુઆત કરીને આ તમામ પ્રશ્નોનું તા.10 ઓક્ટોબર સુધી નિરાકરણ નહિ આવે તો તેઓ અન્ય આગેવાનો સાથે મળીને કલેકટર કચેરીએ આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે.

(9:49 pm IST)