Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સૌરાષ્ટ્ર - કચ્છના કારીગરોને એક સાથે સાંકળીને હસ્તકલા ક્ષેત્રના વિકાસ માટે નવા પ્રયાસો કરાશે : રેમ્યા મોહન

અછત દરમિયાન રાજકોટના કલેકટર રેમ્યા મોહને કચ્છ કલેકટર તરીકે કરેલી કામગીરી સંવેદનશીલ અને શ્રેષ્ઠ : કચ્છના હસ્તકલા કારીગરો દ્વારા અદકેરૂ સન્માન

ભુજ, તા. ૧ : હાલ રાજકોટ કલેકટર તરીકે કાર્યરત શ્રી રેમ્યા મોહનનું કચ્છ મધ્યે હસ્તકલા કારીગરો દ્વારા અદકેરું સન્માન કરાયું હતું. શ્રુજન સંસ્થા દ્વારા સ્થાપિત એલએલડીસી મ્યુઝિયમ મદયે કચ્છભરમાંથી એકઠા થયેલા વિવિધ હસ્તકલાક્ષેત્રના કારીગરો અને સંસ્થાઓ દ્વારા કલેકટર રેમ્યા મોહનનું 'તામ્રપત્ર' દ્વારા સન્માન કરાયું હતું. કચ્છના હસ્તકલા કારીગરો અને સંસ્થાઓએ કલેકટર રેમ્યા મોહનને સંવેદનશીલ ગણાવ્યા હતા અને તેમણે કચ્છમાં અછતના સમય દરમ્યાન હસ્તકલા દ્વારા કારીગરોને પૂર્ણ રોજગારી મળે, વેંચાણ માટેનું નવું બજાર મળે એવા કરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. શ્રુજન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફે કલેકટર તરીકે રેમ્યા મોહને કારીગરોના વિકાસ માટે અંગત રસ લઈને કરેલી કામગીરીની નોંધ લીધી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચ્છના જનરલ મેનેજર કનક ડેરે રેમ્યા મોહન દ્વારા અછત રાહત દરમ્યાન હસ્તકલા કારીગરો માટે શરૂ કરેલા કામ અને તેમના સંકલિત વિકાસ માટે હાથ ધરેલા કાર્યો ને આગળ ધપાવી પરિણામલક્ષી બનાવવા ખાત્રી આપી હતી.

આ પ્રસંગે કચ્છના વિવિધક્ષેત્રના હસ્તકલા કારીગરો અજરખપુરના ડો. ઇસ્માઇલ ખત્રી, ભુજોડીના દેવજીભાઈ વણકર, મેઘજીભાઈ વણકર અને અન્ય, ચર્મકલાના કારીગર આંચલભાઈ અને કરણભાઈ સંજોટ, ખરકી કલાના જાનમામદ અને અયુબ લુહાર, બાટીક પ્રિન્ટના શકિલભાઈ ખત્રી, ગુલામભાઈ ખત્રી, બાંધણીના કારીગર અમીનાબેન અને ઈમ્તિયાઝભાઈ ખત્રી, રોગાનકલાના કારીગર પદ્મશ્રી અબ્દુલગફુર ખત્રી પરિવાર, તેમ જ શ્રુજન, કસબ અને કલારક્ષા સંસ્થા સાથે સંકળાયેલા હસ્તકલાના કારીગર ભાઈઓ બહેનોની ઉપસ્થિતમાં કચ્છની હસ્તકલાની ઓળખસમી અજરખ, કચ્છી શાલ તેમ જ સ્મૃતિ ચિન્હ દ્વારા સન્માન કરીને પોતાની લાગણી વ્યકત કરી હતી. જે તસ્વીરોમાં નજરે પડે છે.

સૌના સન્માનનો પ્રત્યુત્ત્।ર આપતા રેમ્યા મોહન જણાવ્યું હતું કે, પોતે કચ્છમાં આવ્યા અને હસ્તકલાક્ષેત્ર વિશે જાણકારી મેળવ્યા બાદ કારીગરો માટે અને ક્ષેત્રણ વિકાસ માટે સંકલિત પ્રયાસો હાથ ધર્યા હતા. આ ક્ષેત્રે રહેલા પડકારો વિશે જાણીને તેમાંથી નવો માર્ગ શોધવા પ્રયાસો કર્યા હતા. પોતે અંગત રસ લઈને સૌ કારીગરો તેમ જ સસ્થાઓને મળ્યા હતા અને બધાને એક મંચ પર લાવવા પ્રયાસો કર્યા હતા. કચ્છની હસ્તકલા સુંદર છે એનાથી વાકેફ થઈને કારીગરોને કાયમી રોજગારી મળી શકે તેવા પ્રયાસો સરકાર અને સંસ્થાઓ સાથે મળીને કર્યા હતા. હવે પછી નવા કલેકટર પણ આ પ્રયાસોને આગળ ધપાવવા સક્ષમ છે એવી લાગણી વ્યકત કરી હતી. પોતે હવે રાજકોટના કલેકટર છે, ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કલાકારોને સાંકળીને હસ્તકલા ક્ષેત્રના વિકાસ માટે નવા પ્રયાસો કરશે એવી ખાત્રી આપી હતી.

કેન્દ્ર સરકારના હસ્તકલા હેન્ડલુમ વિભાગના આસી. ડાયરેકટર રવિવર ચૌધરીએ કચ્છના હસ્તકલા કારીગરો માટે કામ કરતા વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓ વચ્ચે સંકલન સાધવા રચાયેલા 'કચ્છ હેંડીક્રાફ્ટ મિત્ર' ગ્રુપ વિશે તેમ જ ભુજ હાટના સંચાલન દ્વારા વધુ કારીગરોને તેમનો લાભ મળે તે માટે રેમ્યા મોહને કરેલા પ્રયાસો વિશે જાણકારી આપી હતી. કચ્છ ક્રાફટ કલેકિટવ સંસ્થા વતી પંકજ શાહ, શ્રુજન એલએલડીસી વતી મહેશ ગોસ્વામી, ખમીર વતી ઘટિત લહેરુ સહિત અન્ય સંસ્થાઓના અગ્રણીઓએ કલેકટર રેમ્યા મોહનની સંવેદનશીલ કાર્યશૈલીને બિરદાવી હતી.

(4:07 pm IST)