Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ઝેરી દવા છાંટેલુ ચીભડુ ભૂલથી ખાઇ જતાં ૯ વર્ષની વૈશાલીનું મોત

વિછીયાના અમરાપુરનો બનાવઃ કોળી બાળાએ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧: વિછીયાના અમરાપુરમાં રહેતી વૈશાલી જસમતભાઇ વાછાણી (ઉ.૯) નામની કોળી બાળા ભુલથી ઝેરી દવા છંટકાવ કરેલુ ચીભડુ ખાઇ જતાં ઝેરી અસર થતાં મોત નિપજ્યું છે.

અમરાપુર રહેતાં જસમતભાઇ વાછાણીની દિકરી વૈશાલી રવિવારે વાડીએ ગઇ ત્યારે રમતી રમતી ચીભડા ખાઇ ગઇ હતી. તેમાં દવા છંટકાવ કરેલી હોઇ પરિવારજનો જોઇ જતાં તાકીદે ચીભડા મુકાવી દીધા હતાં. પરંતુ થોડીવાર બાદ તેણીને ઉલ્ટીઓ થવા માંડતા અને આંચકી ઉપડતાં વિછીયા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ આજે મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

વૈશાલી બે ભાઇ અને બે બહેનમાં બીજી હતી અને ધોરણ-૯માં ભણતી હતી. લાડકવાયીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ વિછીયા પોલીસને જાણ કરી હતી.

(12:04 pm IST)