Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જીડીપીના ૭ ટકા લક્ષ્યને સિધ્ધ કરીશું

ભાવનગરમાં મનસુખભાઇ માંડવીયાની પત્રકાર પરિષદ યોજાઇ

ભાવનગર તા.૩૧ : કેન્દ્રીય શિપીંગ (સ્વતંત્ર હવાલો) રસાયણ અને ખાતર રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયાએ આજે ભાવનગર ખાતે અર્થતંત્રને મજબૂત કરવા માટે મોદી સરકારના ઐતિહાસિક પગલા વિષય પર એક પત્રકાર પરિષદને યોજીને જણાવ્યુ હતુ કે, મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, આગળ વધી રહ્યો છે. વિશ્વની સરેરાશ જીડીપી ૩ ટકા છે. વૈશ્વિક મંદીના માહોલમાં પણ  આપણે પ ટકાની જીડીપી સાથે વિશ્વથી આગળ છીએ તેમજ આપણુ લક્ષ્ય ૭ ટકાને આંબવાનુ છે. તેને આપણે ચોકકસ સિધ્ધ કરીશુ.

કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતુ કે, ૨૦૧૪માં ભારતમાં દુનિયામાં સૌથી વધુ ટેકસ રેટ ધરાવતો દેશ હતો તેનાથી આપણી કંપનીઓના વિકાસ અને આર્થિક વૃધ્ધિ પ્રભાવીત થતી હતી. વધુ પડતા ટેકસ રેટથી આપણી કંપનીઓને વૈશ્વિક કંપનીઓ સાથે આગળ વધવામાં અને તેની સાથે પ્રતિસ્પર્ધા કરવામાં અડચણ ઉભી થતી હતી.પરંતુ હવે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેકસ ઓછો કરીને રર ટકા કરી દીધો છે. આ ઉપરાંત નવી સ્થાનિક ઉત્પાદન કંપનીઓ માટે કોર્પોરેટ ટેકસ ૧૫ ટકા કરી દેવાયો છે. જેનાથી હવે ભારત સૌથી વધુ ટેકસ ધરાવતો દેશોના બદલે સૌથી ઓછો ટેકસ ધરાવતો દેશોમાં સામેલ થયો છે. તેનાથી મોદી સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન મળશે નવી રોજગારી ઉત્પન્ન થશે. સરકારના પ ટ્રીલીયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યને સિધ્ધિ કરવાના વિજન વિશે વાત કરતા મનસુખભાઇએ જણાવ્યુ હતુ કે, મોદી સરકાર કોઇ પણ લક્ષ્ય નકકી કરે છે. તેની પાછળ એક સુનિશ્ચિત આયોજન કરેલ હોય છે. આ કોર્પોરેટ ટેકસ રેટમાં ઘટાડો કરવાથી કંપનીઓ પાસે વધુ ભંડોળ બચશે. કંપનીઓ આ ભંડોળનો ઉપયોગ રોકાણ કરવા માટે કરશે અને તેના કારણે અર્થવ્યવસ્થામાં વધુ રોજગારીનું સર્જન થશે અને પરિણામે ઉંચો વિકાસદર તેમજ ઉત્પાદકતામાં વૃધ્ધિ અને આવકમાં વધારો થશે.

(12:03 pm IST)