Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ભાવનગરમાં શાકમાર્કેટ પાસે થયેલ મારામારીના કેસમાં પકડાયેલ પાંચ આરોપીઓને પાંચ વર્ષની સજા

ભાવનગર તા.૧: સાડા ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર શહેરના શાકમાર્કેટ ડીસ્ટ્રીકટ બેંક પાસે રીક્ષા મુકવાની નજીવી બાબતે મારા મારી થઇ હતી. આ ગુનામાં એક સગીર સહિત ૬ સામે ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સસ જજ શ્રી શુભદ્દાનબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો,આધાર,પુરાવા, સાક્ષીઓ વિગેરેને ધ્યાને લઇ પાંચ આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૨૬નો ગુનો સાબીત માની તમામ આરોપીઓને પાંચ વર્ષની શખ્ત કેદની સજા અને  રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે આ ગુનામાં સગીર સામે કેસ ચલાવવાનો બાકી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પુર્વે ભાવનગર શહેરના પથીકાશ્રમ પાસે રીક્ષા મુકવા બાબતે મહેબુબભાઇ અને મુનાફભાઇ સાથે લતીફભાઇ ને બોલાચાલી થયેલી તેના સમાધાન માટે મુનાફભાઇનો મીત્ર હિતેષ ઉર્ફે હિતો દામજીભાઇ રાઠોડ (રહે. ચાવડીગેઇટ પોલીસ ચોકી પાછળ) ગત તા.૨૭-૧-૨૦૧૬ના રોજ ભાવનગર શહેરની શાકમાર્કેટ, ડીસ્ટ્રીકટ બેંક, નાગરીક બેંક, પાસે ગયો હતો તે વેળાએ આ કામના આરોપીઓ (૧)લતીફભાઇ ઉર્ફે જાહિદભાઇ રફાઇ (ઉ.વ.૨૨) (૨)ઇમરાન ઉર્ફે જીવો જાહીદભાઇ રફાઇ (ઉ.વ.૨૨) (૩)શકીલ હનીફભાઇ રફાઇ (ઉ.વ.૧૯) (૪)સોયબ જાહિદભાઇ રફાઇ (ઉ.વ.૨૭, રહે તમામ પથિકાશ્રમ, માળીનો ટેકરો, શાકમાર્કેટ પાસે,ભાવનગર) (૫)સલીમ ઉર્ફે મામુ અબ્બાસભાઇ શેખ (ઉ.વ.૨૭ રહે.પ્રભુદાસ તળાવ, હવામસ્જીદ, પાસે,ભાવનગર) અને એક સગીર સહિતના આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ, એકસંપ કરી હિતેષ ઉર્ફે હિતો દામજીભાઇ રાઠોડ ઉપર લાકડી, ધોકા, છરી, તલવાર, સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં હિતેષભાઇને ઇજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત હિતેષ રાઠોડના ભાઇ રાજેન ઉર્ફે રાજુ દામજી રાઠોડે સ્થાનીક સી.ડીવી. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ઉકત આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૭,૨૩૬, ૩૨૩,૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯ તથા જીપીએકટ ૧૩૫ મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદ્દાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરેને ધ્યાને લઇ પાંચ આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૨૬ નો ગુનો સાબીત માની તમામ આરોપીઓને પાંચ વર્ષની શખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે આ ગુનામાં સગીર સામે કેસ ચલાવવાનો બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(12:01 pm IST)