Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જીવાપરનું સ્મશાન ભારે વરસાદમાં તૂટી પડ્યું: વૃધ્ધાના અંતિમ સંસ્કાર કુવાડવા કરવા પડ્યા

તાકીદે નવું સ્મશાન બનાવવા જીવાપર બામણબોરના રહેવાસીઓની માંગણી

રાજકોટતા.૧: કુવાડવા નજીક હીરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું હોઇ જીવાપર બામણબોર સહિતના પાંચ ગામો રાજકોટ જીલ્લામાં ભેળવવામાં આવ્યા છે. તાજેતરમાં જીવાપર ગામનું વર્ષેા જુનુ સ્મશાન ભારે વરસાદને કારણે તૂટી પડતાં જીવાપરના વનિતાબેન સામતભાઇ કોળી (ઉ.૬૫) નામના વૃધ્ધાની અંતિમવિધી કયાં કરવી? એ પ્રશ્ને સ્વજનો અને ગામલોકો મુશિબતમાં મુકાયા હતાં. અંતે તેમનો મૃતદેહ કુવાડવાના સ્મશાને લઇ જવો પડ્યો હતો અને ત્યાં અંતિમવિધી કરવી પડી હતી. જીવાપરનું સ્મશાન પડીને ખંઢેર થઇ ગયું હોઇ તાકીદે સંબંધીત તંત્રવાહકો સ્મશાન નવું બનાવે તેવી માંગણી ઉઠી છે.જીવાપર રહેતાં વનીતાબેન સામતભાઇ ડાભીને માથામાં દુઃખાવો થતાં અને તાવ આવતાં બેભાન હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ નિપજતાં જીવાપર ઘરે મૃતદેહ લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે જ વરસાદ સતત ચાલુ હોઇ ગામનું સ્મશાન પડી જતાં અંતિમવિધી માટે મુશ્કેલીઓ ઉભી થઇ હતી. અંતે જીવાપરથી પંદર કિ.મી. દુર કુવાડવા ખાતે ટ્રેકટરમાં મૃતદેહ લાવવામાં આવ્યો હતો અને કુવાડવાના સરપંચ સંજયભાઇ પરાલીયા તથા બીજા ગામલોકોએ મળી કુવાડવાના સ્મશાનમાં લાકડાની વ્યવસ્થા કરી આપતાં અહિ અંતિમવિધી થઇ હતી. બામણબોરના બાબુલાલ ડાભીના કહેવા મુજબ જીવાપર બામણબોરમાં તાકીદે નવું સ્મશાન બનાવવા ગામલોકોની માંગણી છે. તસ્વીરમાં જીવાપરનું પડી ગયેલું સ્મશાન,  મૃતક વનીતાબેનનો ફાઇલો ફોટો અને કુવાડવામાં અંતિમ સંસ્કાર કરાયા તે દ્રશ્ય જોઇ શકાય છે.

(11:58 am IST)