Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

વિજયભાઇ કાલે પોરબંદરમાં: કીર્તિમંદિરે સર્વધર્મ પ્રાર્થના તથા રીવરફ્રન્ટનું ઉદઘાટન

પૂ.ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીએ ચોપાટીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા સહિત વિવિધ કાર્યક્રમો

પોરબંદર, તા.૩૦: રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની સમગ્ર રાષ્ટ્રમાં ૧૫૦મી જન્મ જંયતિની ઉજવણી થઇ રહી છે. આ ઉજવણી સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાલે તા. ૨ ઓકટોબરનાં રોજ પોરબંદરની મુલાકાત લેનાર છે.

ગાંધીભુમિ પોરબંદરના આંગણે કિર્તિમંદિર ખાતે પ્રાર્થના સભા, ચોપાટી ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ઉપરાંત રીવરફ્રન્ટનુ ઉદઘાટન થનાર છે. આ ત્રિવિધ કાર્યક્રમના આયોજનની જિલ્લા વહિવટીતંત્ર દ્રારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર ખાતે મુખ્યમંત્રીશ્રીના આગમન સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી ડી.એન. મોદીના અધ્યક્ષસ્થાને સેવા સદન ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં ટ્રાફીક નિયમન, પોલીસ બંધોબસ્ત, સલામતી વ્યવસ્થા, રસ્તાઓની મરામત સહિતની કામગીરી માટે અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે. અડવાણી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.ડી. ધાનાણી, પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી, શ્રી ટાંક, નગરપાલીકાના ચીફ ઓફીસર શ્રી હુદડ,  કાર્યપાલક ઇજનેરશ્રી પટેલ, સહિત જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની કાર્યવાહીનુ સંચાલન અધિક કલેકટરશ્રી રાજેશ તન્નાએ કર્યુ હતુ.

રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્ત્।ે તેમના જન્મ સ્થળ  કીર્તિ મંદિર ખાતે તા.૨ ઓકટોબરનાં રોજ સવારે ૮-૦૦ કલાકે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાશે.

પૂજય બાપુનાં જન્મ સ્થળ  કીર્તિમંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતમાં સર્વધર્મ પ્રાર્થના સભા બાદ ભાવવંદના કાર્યક્રમ પણ યોજાશે. જેમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને કીર્તિમંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ જવાહરભાઇ ચાવડા, ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટરશ્રી ડિે.એન.મોદી, સમાજશ્રેષ્ઠીઓ સહભાગી થશે.

ગાંધીભુમિ પોરબંદરના આંગણે રાજય સરકાર દ્રારા સૌરાષ્ટ્રનાં પ્રથમ રિવરફ્રન્ટનું રૂ ૪૦.૧૬ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કર્લી જળાશય સ્થળે નિર્મિાણ કરાયેલ આ રિવરફ્રન્ટનું તા ૨ ઓકટોબરનાં રોજ સવારે લોકાર્પણ કરશે. પ્રવાસનને વેગ આપવા સાથે પોરબંદરવાસીઓને મુખ્યમંત્રીશ્રી દ્રારા રીવરફ્રન્ટની ભેટ મળશે. સાબરમતી અમદાવાદ બાદ સૌરાષ્ટ્રમાં રીવરફ્રન્ટનું નિમાર્ણ ગાંધીભુમિ પોરબંદરમાં કરવામાં આવ્યું છે.

પૂ. મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિનાં અવસરે પોરબંદરવાસીઓને હવે રીવરફ્રન્ટ માટે અમદાવાદ જવું નહિ પડે. આ રીવરફ્રન્ટની મુલાકાત સાબરમતી રીવરફ્રન્ટ જેવો અહેસાસ કરાવશે. બે કિલોમીટર લંબાઇ ધરાવતા અષ્માવતી રીવરફ્રન્ટ પ્રવાસીઓને આકર્ષવા મહત્વનું યોગદાન આપશે. ગાંધી જન્મ સ્થળ કીર્તિમંદિરની મુલાકાતે આવતા લોકો હવે રીવરફ્રન્ટની પણ મુલાકાત થશે.

પોરબંદર અને છાંયા એમ બે નગરપાલિકાને જોડતા અસ્માવતી રીવરફ્રન્ટનું નામ પૌરાણીક કથાઓમાં ઉલ્લેખીત અષ્માવતી નદી પરથી રખાયુ છે.

અહિં બાળકો માટે મનોરંજનની પુરતી વ્યવસ્થા છે. યુવાનો રીવરફ્રન્ટ ખાતે સેલ્ફી લઇ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના મીત્ર વર્તુળને રીવરફ્રન્ટની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરશે. વડિલો ઇવનીંગ અને મોર્નીંગ વોક કરીને ભારતનાં નિર્માણના સ્વપ્નને સાકાર થતા જોશે.

બે કિલોમીટરની લંબાઇ ધરાવતા આ રીવરફ્રન્ટ પર ગૃહિણીઓ તથા નોકરી કરતા લોકો થાક ઉતારવા માટે રીવરફ્રન્ટ થી ઉદભવતા મંદ-મંદ ઠંડા પવનની લહેરખીઓનો આનંદ માણી શકશે.

અહિં  ૨ હજાર લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ, વિશાળ મેડીટેશન પાર્ક, ફલાવર પાર્ક, વિશાળ ફુડઝોન, સહિતની આધુનિક સવલત ધરાવતો રીવરફ્રન્ટ પોરબંદર શહેરને સરકાર તરફથી અમુલ્ય ભેટ છે

(11:49 am IST)