Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જામકંડોરણાના રામપર પાસે પાણીમાં લાપતા મહિલાનો મૃતદેહ મળ્યો

જામકંડોરણા તા ૦૧ : ગોંડલ તાલુકાના ખડવંથલી ગામનો પટેલ પરિવાર જામકંડોરણાના જશાપર ગામે રવિવારે સવારે વેવિશાળ પ્રસંગે જામકંડોરણાના જશાપર ગામે કારમાં જઇ રહયો હતો. આ કારમાં કાર ચાલક તેમજ ત્રણ મહિલાઓ સવાર હતા, ત્યારે સવારે સાત વાગ્યાના અરસામાં જામકંડોરણા તાલુકાના રામપર ગામ પાસે રસનાળ નદીમાં આવેલ કોઝવે પરથી રસનાળ નદીમાં તણાંતા કાર ચાલક એક વ્યકિતનો બચાવ થવા પામ્યો હતો. તેમજ બે મહિલાઓના મોત નિપજયા હતા. આ મહિલાઓના મૃતદેહને ગોંડલ, ધોરાજી નગરપાલીકાની તરવૈયાની ટીમે ત્રણ કલાકની મહેનત બાદ બહાર કાઢેલ અન એક મહિલા પૂરના પાણીમાં તણાઇ જતાં એન.ડી.આર.એફ. ની ટીમ કામે લાગી હતી. અને રવિવારે મોડી સાંજ સુધી સતત શોધખોળ હાથધરી હતી, જયારે સોમવારે સવારથી ફરી આ ટીમે રેસકયુ કરી બનાવના સ્થળથી છેક ફોફળ ડેમ સુધી શોધખોળ હાથ ધરતાં બનાવના ત્રીસ કલાક બાદ સોમવારે બપોરના બે વાગ્યે મોટાભાદરા ગામે ફોફળ ડેમમાંથી આ પાણીમાં તણાયેલ શર્મિલાબેન ભુપતભાઇ મારકણનો મૃતદેશ મળી આવ્યો હતો, જેને પી.એમ. માટે જામકંડોરણા સરકારી હોસ્પિટલે લાવવામાં આવેલ. આ બનાવથી અડવંથલી ગામ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

(11:48 am IST)