Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

પૂ. ગાંધીજીના ૭૯ વર્ષના જીવન કાળના પ્રતીકરૂપ પોરબંદરનું કીર્તિ મંદિર

કીર્તિ મંદિરના શિખર સુધી ૭૯ ફુટની ઉંચાઇઃ અંધશ્રધ્ધા વહેમ કુરિવાજો ગરીબી રૂપી અંધારા ઉલેચવાના ગાંધીજીના જીવન સંઘર્ષના પ્રતીક રૂપે શિખર ઉપર માટીના કોડિયા આકારે દીપકોઃ શીલ્પ કલાનો બેનમૂન નમૂનો

પોરબંદર તા. ૧ :.. સમગ્ર રાષ્ટ્ર યુગ પુરૂષ મહાત્મા ગાંધીજીની ૧પ૦ એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવી રહેલ છે. આમ સામાન્ય પ્રજાજનો ગાંધી વિચારધારા પૂર્વ અને વર્તમાન નવા યુવા પેઢી રાષ્ટ્રપિતાને સમજવા તેમની વિચારધારા મુર્તિમંત કરવા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરી રહી છે. વર્તમાન સમયમાં આવશ્યક જરૂરી બનેલ છે.

રાજકારણમાં ગાંધી નામનો પ્રવેશ થઇ ચૂકયો છે. ગાંધી નામ વગરના જાહેર ક્ષેત્રમાં સંમેલનોમાં કે જાહેર સભાઓમાં ગાંધીના મૂલ્યો આદર્શની વાત કરવી પડે છે. એકાદ બે દાખલા વકતાઓ પોતાના વકતવ્ય-ભાષણોમાં ન આપે તો ત્યાં સુધી વકતવ્ય અને ભાષણ અધૂરૃં ગણાય છે.

એક સમય એવો હતો કે ભારતના સર્વાંગી શાસનમાં ભારતીય જનતા પક્ષનું વર્ચસ્વ જનાદેશ સાથે રહેલ છે. તે પૂર્વે ભારતીય જનતા પક્ષના બદલે 'જનસંઘ' સબળ વિરોધ પક્ષની ભૂમિકામાં રહેલ. વર્તમાન સ્થિતિએ જબરજસ્ત પરિવર્તન આવેલ છે. એક સમયે ગાંધી નામની અવગણના કરનાર રાજકિય પક્ષોને આજે ગાંધી નામની જરૂર જણાય છે.

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીનું મુળનામ મોહનદાસ પિતાનું નામ કરમચંદ અટક ગાંધી પૂર્વજોનું મુળવતન હાલ ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના જુનાગઢ રાજય હસ્તકના કુતિયાણા-કુંતલીપુરના તેમના પૂર્વજોનું વતન હાલ કુતિયાણા-કુંતલીપુર તેમના જુના રહેણાંક મકાનો હૈયાત છે. ગાંધી ચોકમાં આવેલ છે. તેઓ દશા મોઢ માંડલીયા વણીક કુકમેદમાં મોઢવણીક રાષ્ટ્રપિતાએ બેરીસ્ટરની ઉપાધી મેળવેલ તેઓનો જન્મ પોરબંદર મુકામે હાલ કિર્તી મંદિર છે. ત્યાં જ તે ઘરમાં થયેલ છે. ધર્મ વૈષ્ણવ નાનણપણથી દાદીમાએ સત્સંગમાં સાથે લઇ જઇ ધર્મ સંસ્કાર આપેલ. કસ્તુરબા સાથે લગ્ન કરેલ છે. જેથી રાષ્ટ્રપિતાની જન્મભૂમિ પોરબંદર રહી છે.

સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાના પાઠ શીખવનારા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ સમીપે આવેલું સ્મારક મંદિર કિર્તી મંદિર અદમ્ય આકર્ષણરૂપ છે. માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાંથી લોકો પોરબંદર આવીને પૂ. બાપુના આ જન્મ સ્થળ કિર્તી મંદિરની મુલાકાત લઇને અહીં ગાંધી વિચારધારાને મૂર્તસ્વરૂપ આપવાના થઇ રહેલાં કાર્યો અને પ્રવૃતિઓ નિહાળી ધન્યતા અનુભવે છે. કીર્તિ મંદિરની પાછળ કસ્તુરબા ધામ છે. રાષ્ટ્રપિતા અને કસ્તુરબાના એક જ સ્થળે સ્મારક હોય તેવું વિરલ સ્થળ છે.

યુગ પુરૂષ મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળને અડીને લગોલગ ૭પ૦ ચો. મી. ના ક્ષેત્રફળમાં ઉભા કરાયેલા પૂ. ગાંધીજીનાા સ્મારક મંદિરને મહાત્મા ગાંધી કીર્તિ મંદિરને નામે ઓળખવામાં આવે છે. આધુનિક શિલ્પ કલાના બેનમૂન, આકર્ષક નમુના રૂપ કિર્તી મંદિરનો શિલારોપણ વિધિ અને ૧૯૪૭ માં સદ્ગત શ્રી દરબાર ગોપાલદાસ દેસાઇના વરદ હસ્તે થયો હતો. ત્યારબાદ પોરબંદરનો દાનવીર ઉદ્યોગપતિ શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસ મહેતાએ રૂપિયા પાંચ લાખના ખર્ચે નિર્માણ કરાવ્યું હતું અને ભારતના મહાન સપૂત, લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલે તા. ર૭ મે ૧૯પ૦ ના રોજ કિર્તી મંદિર વિશ્વના દર્શન માટે ખુલ્લું મુકયું હતું.

કલાકારીગીરીના આકર્ષક નમૂનારૂપ કીર્તિ મંદિરની શિખર સુધીની ૭૯ (ઓગણા એંસી) ફુટની ઉંચાઇ પૂ. ગાંધીજીના ૭૯ (ઓગણા એંસી) વર્ષીયના જીવનકાળના પ્રતિકરૂપ છે. પૂ. ગાંધીજીનું સમસ્ત જીવન ભારતની ગુલામી, ગરીબી, વહેમ, અંધશ્રધ્ધા તથા કુરિવાજો રૂપી અંધારા ઉલેચવામાં પસાર થયું. એનાપ્રતીક રૂપે શિખર ઉપર માટીના કોડીયાનાં આકારે ૭૯- (ઓંગણા એંસી) પ્રજવલિત દીપકો ગોઠવવામાં આવ્યા છે.

કીર્તિ મંદિર કોઇ એક જ ધર્મનું દેવમંદિર બની ન જાય અને માત્ર પૂજા, અર્ચનાનું સ્થાન ન થઇ જાય એની પૂરેપૂરી સાવધાની રાખવામાં આવી છે. ધુમ્મરની નીચે કોઇ મૂર્તિ કે પ્રતિમાને સ્થાને પૂ. ગાંધીજી અને પૂ. કસ્તુરબાના સંપૂર્ણ તેલચિત્રો ખુલ્લી કિતાબ જેવા જીવનનો સંદેશ નિર્દેશ કરે છે. ચિત્રો પાસે ધુપ, દીપ, ચંદન કે પુષ્પમાળા ન રાખતાં માત્ર સત્ય અને અહિંસા એ બે શબ્દો આપેલા છે. જે આ સ્મારકની વિશેષતા છે.

કીર્તિ મંદિરની શિલ્પકલામાં જગતના છ મહાન ધર્મના અંશો વણી લેવામાં આવેલ છે. હિન્દુ, બૌધ્ધ અને જૈન મંદિરોની રચના સાથે દેવળ અને પારસીની અગીયારી અને મસ્જીદની કલાના અંશોને પણ મિશ્રિત કરવામાં આવેલ છે. જે   પૂ.ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભાવનાને ચિરતાર્થ કરે છે રાષ્ટ્રીયતાના પ્રતીક સમાચરખા અને તકલીના ચિન્હો પણ કિર્તિમંદિરની કલાત્મક કારીગરીમાં દ્રષ્ટિગૌચર થાય છે.

કિર્તિમંદિરના પ્રવેશમાં આરસનો વિશાળ ચોક છે અહી પૂજયબાપુ અને પૂજય કસ્તુરબાના વિવાહ થયા હતા આ ચોકને ફરતે ૧ર  ફુટ ઉંચા આરસના એકદરે ર૬ સ્તંભો છે. પ્રત્યેક સ્તંભ ઉપર પૂ.ગાંધીજીએ આત્મસાત્ કરેલા અને આમ જનતાએ આત્મસાત્ કરી આચરણમાં મુકવા જેવા જીવન વૃતો વિષયક કથાનામૃતો હિન્દ-ભાષામાં આલેખાયેલા છે જેમાં સત્ય, અહિંસા, અસ્તેય અપરિગ્રહ, બ્રહ્મચર્ય ત્યાગ સહનશીલતા શરીરશ્રમ સ્વદેશી  અશ્પૃશ્યતા નિવારણ નમ્રતા જ્ઞાન સભ્યતા અનેસર્વધર્મ, સમભાવના સંદર્ભમાં રત્ન કણિકાઓ કંડારેયલી છે ઉપરાંત પૂ. બાપુનું પ્રિય ભજન વૈષ્ણવજન રામધુન તથા સ્થિત યજ્ઞના લક્ષણો પણ અંકિત કરેલ છે આ ર૬ સ્તંભો ઉપરાંત સિંહાસન પાસેના આરસના બે સ્તંભોમાં મહાત્માગાંધીજીના જીવનની મુખ્ય ઘટનાઓ વર્ણવતા બનાવોની તવારીખ આપવામાં આવેલી છે

કીર્તિમંદિરમાં એકદંરે છ ઓરડા છે તમામ ઓરડાનું બાંધકામ પોરબંદરના જ પથ્થરોથી જ થયેલું છે કિર્તિમંદિર જેવુ ભવ્ય સ્મારક બનાવવાનો યશ પણ પોરબંદરના શિલ્પી સ્વ. પુરૂષોતમ મિસ્ત્રીને ફાળે જાય છે બે જ મહિનાના ટુંકાગાળામાં તેઓએ રાત દિવસ અથાગ પરિશ્રમ લઇને આ બેનમુન કલાકૃતિનું નિર્માણ કરી આપ્યું છે.

કિર્તિ મંદિરમાં આવેલ સંગ્રહ સ્થાનમાં પૂ.ગાંધીજીના જન્મ સ્થાનનું મકાન ખરીદવાનો દસ્તાવેજ છેઅને જન્મ સ્થાનની જગ્યા અંગે પુ. ગાંધીજીએ જાતે સહી કરીને સ્વ. માણેકલાલ ગાંધીને આપેલ પાવર ઓફ એટર્નીનો દસ્તાવેજ સચવાયેલ છે ઉપરાંત મહાત્મા ગાંધીના કુટુંબનો વડલો, કિર્તિમંદિરનો નકશો તથા કેટલાક યાદગાર પ્રસંગોની તસ્વીરોનો સંગ્રહ છે અહીના કાર્યાલયમાંથી ગાંધી સાહિત્યના ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષાના પુસ્તકોનું વેચાણ થાય છે. ઉપરના માળે પૂ. કસ્તુરબા મહિલા પુસ્તકાલય, વાંચનાલયે ઉપરાંત મહાદેવભાઇ દેસાઇ પુસ્તકાલય છે પુસ્તકાલયની પાસે આવેલ વિશાળ હોલમાં ગાંધીજીની જીવન ઝરમર પ્રદર્શિત કરતી એક ચિત્ર પ્રદર્શન પણ કાયમી સ્વરૂપે ગોઠવાયેલી છે.

કિર્તિ મંદિરના સંચાલન માટે અહી સંચાલન સમિતિ કાર્યરત છે .રાજય સરકાર દ્વારા અનુદાન અપાય છે. કિર્તિમંદિરમાં દરરોજ સવાર સાંજ પ્રાર્થના પૂ. બાપુના પ્રિય ભજનો ગવાય છે આ ઉપરાંત પ્રસંગોપાત સર્વધર્મ પ્રાર્થના સમુહ પ્રાર્થના સમુહકાંતણ, લેપ્રેસી, નિવારણ, ચિત્ર, પ્રદર્શન જેવા રચનાત્મક કાર્યક્રમો યોજાય છે. નવા વર્ષના મંગલદિને સ્નેહ મિલન પુ.બાપુના જીવન-કવનને તાદ્રશ્ય કરતા ફલોટસ સાથેની બાળરેલી, ર૬મી જાન્યુઆરી ૧પ મી ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય એકતાની ભાવનાને સાકાર કરતી પ્રભાત ફેરીનું આયોજન થાય છે.

પૂ. બાપુના જન્મદિન રજી ઓકટોમ્બરના વિશિષ્ટ ઉજવણી થાય છ.ે સમગ્ર દેશમાંથી મહાનુભાવો પ્રાર્થના સભામાં આવી કિર્તિમંદિરનું ગૌરવ વધારે છે ગાંધીજયંતીના રોજ સર્વધર્મ પ્રાર્થના ગાંધીગીત, ભજન, ધુન વગેરે વૈવિધ્યપૂર્ણ, ગાંધી વિચાર ધારાને વેગ મળે તે રીતે ભવ્ય કાર્યક્રમો યોજાય છે. રેટીયાબારસ (ભાદરવાવદ ૧ર રાષ્ટ્રપિતાની  વિક્રમ સવંત મુજબ જન્મ જયંતી) તેમજ પૂ. બાપુના નિર્વાણ દિન ૩૦ મી જાન્યુઆરીના રોજ સાંચ પ્રાર્થના પુ. બાપુનુ પ્રિય ભજન વૈષ્ણવજન ધુન વગેરે કાર્યક્રમ થાય છે.

પ્રસંગોપાત શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઇ-બ્હેનો માટે ગાંધીજીવન દર્શન ઉપર નિબંધ, વકતૃત્વ સ્પર્ધા ચિત્ર-સ્પર્ધા ગાંધી ગીતો જેવી શૈક્ષણીક સ્પર્ધાઓ કાર્તિમંદિરમાં યોજાય છે. તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર પણ આપવામાં આવે છે  આ ઉપરાંત મહિલા ઉત્કર્ષ અને તેમની સ્વરોજગારી માટેની શિબિર યોજાય છે સ્વાધ્યાય પ્રવૃતિ ચલાવાય છે. કિર્તિમંદિર માત્ર એક સ્મારક ન બની રહેતા ગાંધી વિચારધારાના પ્રચાર-પ્રસાર સાથે રાષ્ટ્રભાવના ઉજાગર કરવા આવતી નવીપેઢી માટે રાષ્ટ્રસમર્પિત એક આદર્શ જીવનનું પ્રેરણાધમ બની રહ્યું છે. (સંકલન-આલેખનઃ: હેમેન્દ્રકુમાર એમ.પારેખ, પોરબંદર)

(11:40 am IST)