Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

વાંકાનેર-તળાજામાં ધોધમાર ર ઇંચ વરસાદ

મોરબીમાં અડધો ઇંચઃ રાજકોટમાં સવારે જોરદાર વરસાદી ઝાપટુ વરસ્યુઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં એકંદરે વરસાદનો વિરામ

પ્રથમ તસ્વીરમાં ગોંડલમાં વાદળીયું વાતાવરણ અને બીજી તસ્વીરમાં વાંકાનેરની મચ્છુ નદી અને પતાળીયા નદીમાં પુર નજરે પડે છે. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા(વાંકાનેર) ભાવેશ ભોજાણી-ગોંડલ) (૪.૩)

રાજકોટ તા.૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘવિરામ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે કોઇ-કોઇ જગ્યાએ વરસાદ વરસી જાય છે ત્યારે કાલે રાત્રીના મોરબી અને તળાજામા ર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

વાંકાનેર

વાંકાનેરઃ કાલે રાત્રે વહેલી વાંકાનેર શહેરમાં એકાએક જોરદાર વરસાદ વરસતા બે ઇંચ ઉપરાંત (૫૪ મીમી) વરસાદ નોંધાયો હતો. આ સાથે સીઝનનો કુલ વરસાદ સરેરાશથી દોઢો એટલે કે કુલ વરસાદ ૩૪ ઇંચ જેટલો થવા પામેલ છે.

આશ્ચર્ય એ છે કે વાંકાનેર બાજુના જ મચ્છુ-૧ ડેમમાં રાત્રે વરસાદ નહોતો. તેમ છતાં ગઇ કાલના ડેમ ઉપરવાસના સતત વરસાદથી મચ્છુ-૧ ડેમ  બે ફુટે ઓવર ફલો વદ્યો હતો. જે હાલ વરસાદ થંભી ગયા બાદ પણ ૦.૮૦ દોરા ઓવરફલો વહી રહ્યો છે. વાંકાનેર શહેરમાં રાત્રે મચ્છુ અને પતાળીયા નદીઓમાં પુર આવ્યા હતા.

પાલીકા દ્વારા આવતી કાલે બીજી ઓકટોબરે સફાઇ અંગે સેમિનાર યોજાનાર છે જોકે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે છતો પાલિકા સફાઇ અભિયાનનો દેખાડો કરાવવા તૈયારી કરી રહી છે.

મોરબી

મોરબીઃ જીલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો હતો જેને પગલે અનેક સ્થળ પર પાણી ભરાયા હતા અને વાહનચાલકોને ભારે મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો હતો તો શહેરના રોડ પણ વરસાદને કારણે તૂટી ગયા છે. મોરબી જીલ્લામાં ગતા સાંજના વરસાદે વિરામ લીધો હતો અને ફરી રાત્રીના તોફાની બેટિંગ શરૂ કરી હતી. મોરબી જીલ્લામાં છેલ્લા ગત તા.૩૧-૯-૨૦૧૯ના સાંજના ૬ વાગ્યાથી આજે સવારના ૮ વાગ્યા સુધીમાં મોરબીમાં ૧૬ એમએમ, વાંકાનેર ૫૪ એમએમ, હળવદ ૨૦ એમએમ અને માળીયામાં ૧૨ એમએમ વરસાદ નોંધાયો છે. વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ગરબા પ્રેમીઓ માથેથી ચિંતાના વાદળો દૂર થયા હતા અને માં અંબાના બીજા નોરતે યુવક-યુવતીઓ મનમૂકીને ગરબે ધુમ્યા હતા તો ખેડૂતોમાં પણ જીવમાં જીવ આવ્યો છે અને હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

વાંકાનેર

વાંકાનેરઃ વાંકાનેરમાં સતત વરસતા વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઘણા રસ્તાઓ ઉપર મોટા-મોટા ખાડાઓ પડી જવાથી પાણી ભરાય રહેતા હોય માખી-મચ્છરનો ઉપદ્દવ પણ વધી રહ્યો છે ગઇ કાલે ધ્રુપ છાવ વચ્ચે હળવો વરસાદછયેલ રાત્રીના મેઘરાજાએ વીરામ લેતા શહેરના ગરબી મંડળોમાં રંગબેરંગી લાઇટોના શણગાર દ્રશ્યમાન થયા હતા.

તેમન-નાની-નાની બાળાઓએ પ્રાચીન રાસ સાથે માતાજીની પુજા-આરાધના કરી હતી રાત્રે પોણાત્રણ વાગ્યે ફરી મેઘરાજા પણ મધ્યરાત્રીના નવરાત્રી રમવા પધાર્યા હતા અને ચલતી રાસ સતત ત્રણ કલાક સુધી પોણા છ વાગ્યા સુધી વરસતા રાત્રીના ૫૪ મીમી સવા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

મચ્છુ ડેમ-૧ અને ઉપરવાસ ઉપર સતત વરસતા વરસાદથી મચ્છુડેમ-૧, ૦,૮૦ થી ઓવરફલો થઇ રહ્યો છે જેને લઇને શહેર મધ્યેથી પસાર થતી મચ્છુ નદી અને પતાળીયા નદીમાં બે કાઠે ઘોડાપુર જેમ પાણી મારબી મચ્છુડેમ-૨માં જઇ રહ્યુ છે.

ભાવનગર

 ભાવનગરઃ અષાઢ અને ભાદરવામાં વરસ્યા બાદ મેઘરાજાએ ભાવનગર જિલ્લાના તળાજાના ગામડાઓમાં આસોમાસના પ્રારંભમાં પણ ધરતી સાથે રાસોત્સવ રમવાનું શરૂ રાખેલ છે. આજે દરિયા કિનારાના ગામડાઓમાં બપોર બાદ અનરાધાર બે ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.

હવે ખમૈયા કર બાપ! આ શબ્દો તળાજા પંથકના ખેડુતોના છે. પીથલપુર, કેરાળા, આમળા, ગઢુંલા, રેલીયા, ગોપનાથ, ઝાંઝમેર, મધુવન, મેથળા, વેજોદરી, ઉંચડી, મહાદેવપરા, ખનઢેરા સહિતના ગામડાઓમાં આજે બપોરે હથિયા એ સૂંઢ ફેરવી હોય તેમ વીજળી ના ચમકારા અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. ને દોઢેક કલાકમાં બે ઇંચથી વધુ વરસી ગયો હતો.

અનરાધાર વરસાદના પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. આ વિસ્તારના નદી, નાળા વોકળામાં પાણી ફરી વળ્યાં હતા. તળાજામાં બપોરે એક સામાન્ય ઝાપટું વરસી ગયુ હતું.

વિંછીયા

વિંછીયાઃ વિંછીયામાં ગત મધ્યરાત્રિ બાદ વ્હેલી પરોઢ સુધી હળવા ભારે વરસાદી ઝાપટા શરૂ રહ્યા હતા. જો કે ગત રાત્રિના બીજા નોરતે મેઘરાજાએ ગરબી પુરી થઇ ત્યાં સુધી વરસવાનું બંધ રાખ્યુ હતુ! એટલે બાળાઓ બીજા નોરતે ગરબે ધૂમી હતી!! દરમ્યાન આજ સવાર થી સુર્ય નારાયણ દેવ પૂર્ણ કક્ષાએ ખીલ્યા છે! વિંછીયા તથા તાલુકામાં આકાશ એકદમ સ્વચ્છ છે ટૂંકમાં સવારે ૯.૩૦ વાગ્યે ફુલ ગુલાબી તડકામાં વનરાઇઓ ખીલી ઉઠી છે!! ને લોકોનેય હાશકારો થયો છે!!!

જામનગર

જામનગરઃ શહેરનુ આજનું હવામાન ૩૧.૫ મહતમ, ૨૬.૫ લઘુતમ, ૯૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮. પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના પીઠડમા ૬ મીમી અને કાલાવડના ખરેડીમા ૧૦ મીમી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉડ-૩ ડેમ ઉપર પ અને ઉંડ-૨ ડેમ ઉપર ૪ મીમી વરસાદ પડ્યો હતો.

(11:27 am IST)