Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ભાવનગરમાં ર૦ લાખના હિરા ભરેલા થેલાની લૂંટ

આર. મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારી અંકિતભાઇ પટેલને છરી બતાવી માલમત્તા ઝૂંટવનાર બન્ને આરોપી ઝબ્બે : થેલામાં જીપીએસ મશીન મૂકેલ હોઇ લોકેશન મળી જતા પોલીસે તૂર્તજ કુંભારવાડાના બે શખ્સોને દબોચી લીધા

ભાવનગર, તા. ૧ : ભાવનગરમાં બાઇક પર હેલ્મેટ પહેરી આવેલા બે શખ્સો આંગડીયા પેઢીના કર્મચારીને આંતરી છરીની અણીએ રૂ.ર૦.૪૦ લાખના હિરા ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. દરમ્યાન પોલીસે બન્ને લૂંટારૂઓને લૂંટના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

બનાવની વિગતો એવી છે કે શહેરના નિર્મળનગર ક્રિસ્ટલ બીલ્ડીંગ દુકાન નં. રર૪માં આવેલ આર. મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારી અંકિતભાઇ પટેલ ગઇરાત્રે તેના રૂટીન મુજબ પોતાની પેઢીએથી ીહરા અને રોકડ વગેરે વસ્તુઓ થેલામાં મૂકી નિર્મળનગરના નાકા પાસે પહોંચ્યા હતાં ત્યારે બે અજાણ્યા હેલ્મેટ પહેરેલ શખ્સો બાઇક ઉપર આવ્યા હતાં અને અંકિતભાઇને છરી બતાવી તેની પાસે રહેલ થેલો ઝૂંટવી નાસી છૂટયા હતાં.

લૂંટના આ બનાવથી ગભરાઇ ગયેલ અંકિતભાઇએ દેકારા પડકારા કરતા અન્ય લોકો એકઠા થયા હતાં અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

લૂંટના આ બનાવ અંગે પોલીસે લૂંટારૂઓનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમ્યાન હિરાના થેલા સાથે જી.પી.એસ. મશીન હોવાથી લૂંટારૂઓનું લોકેશન કુંભારવાડા વિસ્તારમાં નીકળતા પોલીસે તે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને લૂંટારૂઓ જેવા બાઇક મૂકી કારમાં ભાવનગરથી બહારગામ જવા નીકળ્યા કે પોલીસે બન્ને લૂંટારૂઓને ઝડપી લઇ રૂ. ર૦ લાખ ૪૦ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે લૂંટના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે તે બન્ને શખ્સો કુંભારવાડા વિસ્તારના ભરત મેરાભાઇ ચોસલા અને લાલા ભાયાભાઇ આલગોતર હોવાનું પોલીસ જણાવ્યું હતું આમ પોલીસે લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી સફળ કામગીરી કરી હતી. (૮.૯)

(11:43 am IST)