Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

વાંકાનેરના સબ રજીસ્ટ્રાર સંજયભાઇ મહેતા પ હજારની લાંચના છટકામાં ઝડપાયાઃ પ્રથમ ૪૦ હજાર માગેલઃ ૧૦ હજારમાં ફાઇનલ ડીલ થયેલઃ રાજકોટના મદદનીશ નિયામક હિમાંશુ દોશી ટીમને વધુ એક સફળતા

રાજકોટ :  વાંકાનેરના સબ રજીસ્ટ્રાર સંજયભાઇ કાંતિભાઇ મહેતા જમીન મકાન લે વેચનું કામ કરતા એક શખ્સ પાસેથી પ્રથમ ૪૦ હજાર અને ત્યારબાદ ૧૦ હજારની નકકી થયેલ ડીલ પૈકીના બાકીના પ હજાર ની વારંવાર ઉઘરાણીથી કંટાળેલા ફરીયાદીને આધારે મોરબીના એસીબી પીઆઇ એમ.બી.જાનીએ રાજકોટ એસીબીના મદદનીશ નિયામક  હિમાંશુ દોશી સાથે પરામર્સ કરી તેઓના સુપરવિઝન હેઠળમાં છટકુ ગોઠવી સંજયભાઇ મહેતાને પ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા.

એસીબી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ફરીયાદી જમીન મકાન લે-વેંચનુ કામ કરતા હોય ગત તા. ૧૧ ના રોજ મકાન વેચેલ જેનો દસ્તાવેજ કરી આપવા આરોપી સબ રજીસ્ટ્રારએ ૪૦ હજારની માંગણી કર્યા બાદ રકઝક ના અંતે ૧૦ હજાર આપવાનું નકકી થયેલ તેવુ ફરીયાદીએ એસીબીને જણાવેલ. ફરીયાદીએ વિશેષમાં આરોપી સામે એવી પણ ફરીયાદ કરેલી કે જે તે વખતે પ હજાર આપી દીધેલા બાકીના પ હજાર માટે વારંવાર  ઉઘરાણી કરતા હતા. ફરીયાદી  લાંચની રકમ આપવા માગતા ન હોય તેઓએ મોરબી એસીબી ઓફીસનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જે સંદર્ભે ફરીયાદી પાસે લાંચની માંગણી કરવા સાથે તે સ્વિકારતા ઝડપાઇ ગયા હતા. રાજકોટ એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશી ટીમ એસીબી વડા કેશવકુમારના અભિયાન મુજબ મોટા માથાઓને ઝડપવા સતત ઝહેમત ઉઠાવી રહી છે .

(9:36 pm IST)