Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

બોટાદ જિલ્લામાં કારકિર્દ્દી આયોજન સપ્તાહનો સમાપન સમારોહ યોજાયો

આદર્શ કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ સહભાગી બન્યા

બોટાદ, તા.૧: બોટાદ જિલ્લાના યુવાનોને કારકિર્દી વિષયક નુતન પ્રવાહોની સમજ મળી રહે તથા તેમનામાં રહેલી સુક્ષુપ્ત ક્ષમતાઓને પોતે જાણે અને તે દિશામાં લક્ષ્ય નિર્ધારિત કરી શ્રેષ્ઠતમ સિદ્ઘિ હાંસલ કરી શકે તેવા પ્રયાસના ભાગરૂપે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી - બોટાદના સંયુકત ઉપક્રમે હાથ ધરવામાં આવેલ કારકિર્દી આયોજન સપ્તાહ-૨૦૧૮નો સમાપન સમારોહ બોટાદ સ્થિત આદર્શ કોલેજ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી હેતલ દવેએ ઉપસ્થિત યુવાઓને મહેનતની સાથે સતત વાંચન થકી ઉજવળ કારકિર્દીનું નિર્માણ કરવા જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, કારકિર્દીના નિર્માણ માટે પહેલાથી જ લક્ષ્ય નિર્ધારીત કરી તે મુજબની આયોજન સાથેની મહેનત કરવામાં આવે તો અવશ્ય ધ્યેય પ્રાપ્તિ થઈ શકે છે.

 આ કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી એન. ટી. ગોહિલે રમત – ગમત ક્ષેત્રે ઉજવળ કારકિર્દી બનાવવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, આજના સમયમાં ઉચ્ચ અભ્યાસની સાથે હવે રમત – ગમતનું ક્ષેત્ર પણ યુવાનોની કારકિર્દી દ્યડતર માટે મહત્વનું બની રહયું છે.

કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી. કે. ત્રિવેદીએ વિદ્યાર્થીઓની કારકિર્દી દ્યડતરમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ નિર્ણાયક બની રહી છે તેમ જણાવી ઉમેર્યું હતુ કે, રાજય સરકાર યુવાઓની કારકિર્દી દ્યડતર માટે કટીબધ્ધ છે. આ કાર્યક્રમ બાદ કેરીયર કોર્નર શિક્ષક માટે તાલીમ સેમિનારની સાથે વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસ વિશે અલતાફભાઇ ડેરૈયાએ માર્ગદર્શન આપ્યું હતુ, તેમજ રોજગાર કચેરીના કેરીયર કાઉન્સેલર સર્વશ્રી પાર્થ જાની અને વિજય નંદાણી દ્વારા દસ્તાવેજી ચલચિત્ર દર્શાવવામાં આવ્યા હતા.આ તકે માહિતી વિભાગ દ્વારા કારકિર્દી વિષયક સામયિકોનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.(૨૨.૪)

 

(12:31 pm IST)