Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ભારત બ્રિટનના અર્થતંત્રથી આગળ જશે : મોદીનો દાવો

કચ્છના અંજારમાં અનેક યોજનાનું ઉદ્ઘાટન કર્યું : દેશને ગરીબીથી મુક્તિ અપાવવા વિકાસ જરૂરી, વિકાસ માટે ઉર્જા ખુબ જરૂરી : ગુજરાતની પાંચેય આંગળી ઘીમાં

અમદાવાદ, તા. ૩૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કચ્છ જિલ્લાના અંજારમાં એલએનજી ટર્મિનલ સહિત અનેક યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગાળા દરમિયાન મોદીએ ઉર્જાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. મોદીએ કહ્યું હતું કે, દેશને જો ગરીબીમાંથી મુક્તિ જોઇએ તો વિકાસની જરૂર છે અને વિકાસ માટે ઉર્જા જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઉર્જાની કમી કોઇપણ દેશને ગરીબીમાંથી બહાર કાઢી શકે નહીં. મોદીએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં જ ભારત બ્રિટનના અર્થતંત્ર કરતા પણ આગળ નિકળી જશે. મોદીએ કહ્યું હતું કે, ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓના શુભારંભ કરવાની તેમને તક મળી છે. ગુજરાત, ભારતના એલએનજીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. કચ્છ છેલ્લા ૨૦ વર્ષમાં બદલાઈ ગયું છે. મોદીએ અંજારમાં મુંદ્રા એલએનજી ટર્મિનલ, અંજાર-મુંદ્રા પાઇપલાઈન પ્રોજેક્ટ અને પાલનપુર-પાલી બાડેમેર પાઇપલાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગાળા દરમિયાન તેઓએ અનેક યોજનાઓનું ઇ-લોકાર્પણ કર્યું હતું. મોદીએ અંજારમાં પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને કહ્યું હતું કે, ૬૦ વર્ષમાં માત્ર ૧૩ કરોડ લોકોને ગેસ કેનક્શન અને અમારી સરકારે ચાર વર્ષમાં ૧૦ કરોડ લોકોને ગેસ કનેક્શન આપ્યા છે. હવાઈ ચંપલ પહેરનાર પણ વિમાનમાં મુસાફરી કરે તેવું આયોજન છે. મોદીએ કચ્છી ભાષામાં સંબોધન શરૂ કર્યું હતું. ત્યારબાદ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દુનિયામાં કચ્છી ક્યાંય પણ રહેતો હોય એક વાર કચ્છ જરૂર આવે છે. કચ્છ દેશ અને દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેશની સેવા કરવાનું કામ અને ગેસબેઝ ઈકોનોમી તરફ જવાનું છે. ગુજરાત જ નહીં દેશ માટે પણ છે આ ટર્મિનસ છે. કચ્છના લોકો ૨૦૦૦ વર્ષથી પાણીના વલખાં મારે છે. હવે લોકો કહે છે સિંગલ રોડને શું કરીએ ડબલ કરો. રેલ અને રોડ વિતેલા સમયની વાત છે બદલાયેલા સમયમાં રેલ, હાઈવે, આઈ-વે, ગેસગ્રીડ, વોટર ગ્રીડ, પાવરગ્રીડ છે. નવી પેઢી આધુનિક ઈન્ફ્રાસ્ટક્ચર ઈચ્છે છે. ગુજરાતમાંથી જતો ગેસ ભવિષ્યમાં યુરિયાની આવશ્યકતાને પૂર્ણ કરશે. ભૂતકાળમાં ગેસ મેળવવા માટે નેતાઓના આંટાફેરા કરવા પડતાં હતા. સામાન્ય વ્યક્તિની જિંદગીમાં ગેસ આપ્યો છે. ટુરિઝમ વિકાસની સંભાવનાઓ છે. દુનિયા ભારત તરફ આક્રષાઈ રહી છે. હું મુખ્યમંત્રી બન્યો એ પહેલા સફેદ રણ હતું કે નહીં. આ સંભાવના ગુજરાતના દરેક જિલ્લામાં છે. ૬૭ વર્ષમાં સરેરાશ દર વર્ષે ૧ એરપોર્ટ જ્યારે છેલ્લા ૪ વર્ષમાં ૯ એરપોર્ટ થયાં. હવાઈ ચપ્પલ પહેરનાર હવાઈ યાત્રા કરતાં થયાં છે. સૌભાગ્ય યોજના દ્વારા ૪ કરોડ લોકોને વીજળી મળી. ભૂતકાળમાં લંગડી વીજળીની વાતો લંગડી થઈ ગઈ છે. સ્વચ્છતાની વાતો પર નિરાશવાદી લોકો નિરાશમાં ડૂબેલા રહે છે. ટોઈલેટ બન્યા છે. સ્વચ્છતા આવી, પ્રયાસ કર્યો છે. પ્રત્યેક બાળક માટે પઢાઈ, ખેડૂતો માટે સિંચાઈ, યુવક માટે કમાઈ બુજર્ગને દવાઈ એ આવશ્યકતા પૂર્ણ કરવા માટે આપે જે અમને જવાબદારી સોંપી છે તે માટે એક પછી એક યોજના પૂર્ણ કરવાનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પ્રયાસ છે. ગુજરાતની પાંચેય આંગળીઓ ઘીમાં છે. અગાઉ મોદી કાર્યક્રમ મુજબ બપોરે આણંદથી ભુજ વિમાની મથકે આવી પહોંચ્યા હતા. પાંચ મિનિટના ટુંકા રોકાણ બાદ હેલિકોપ્ટરથી અંજારના પહોંચ્યા હતા. ત્રણ વાગે ગવર્ધન પર્વત નજીકના સભા સ્થળે પહોંચ્યા હતા. વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જંગી સભાને સંબોધી હતી.

કચ્છમાં મોદીએ શું કહ્યું

કચ્છી લોકોમાં પ્રયોગોની તાકાત

*    દુનિયામાં કચ્છી ક્યાં પણ હોય એકવાર કચ્છ જરૂર આવે છે

*    કચ્છ દુનિયા અને દેશનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

*    બદલાયેલા સમયમાં રેલ, હાઈવે, આઈવે, ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને પાવર ગ્રીડ છે

*    નવી પેઢી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇચ્છે છે

*    ગુજરાતમાંથી જતો ગેસ ભવિષ્યમાં યુરિયાની જરૂરિયાતને પૂર્ણ કરશે

*    ટ્યુરિઝમ વિકાસની સંભાવનાઓ વ્યાપક રહેલી છે

*    સફેદ રણ પહેલા પણ હતું પરંતુ હવે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચાયું છે

*    ૬૭ વર્ષમાં દર વર્ષે એક એરપોર્ટ અને છેલ્લા ચાર વર્ષમાં નવ એરપોર્ટ બનાવાયા છે

*    સૌભાગ્ય યોજના દ્વારા ચાર કરોડ લોકોને વિજળી અપાઈ છે

*    ભૂતકાળમાં લંગડી વિજળીની વાતો થતી હતી. સ્વચ્છતાની વાતો ઉપર નિરાશાવાદી લોકો નિરાશામાં ડુબેલા છે

*    બાળકને અભ્યાસ, ખેડૂતોને સિંચાઈ, યુવાનોને કમાણી, વૃદ્ધોને દવાની જરૂરિયાત પૂર્ણ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે

*    ગુજરાતની પાંચેય આંગળી ઘીમાં છે

(9:39 pm IST)