Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ભાવનગર શહેર ભાજપ દ્વારા કેરળના પુરપીડિતો માટે રાહત સામગ્રી મોકલાઇ

ભાવનગર તા.૧: ગત દિવસોમાં કેરળ ખાતે સદીનું સોૈથી મોટું પુર હોનારતને કારણે કેરળના અનેક ગામો અને જિલ્લાઓ પ્રભાવિત થયા છે. અનેક લોકોએ પોતાના ઘરબાર અને માલ મિલકત સહિત પોતાનું ર્સ્વસ્વ ગુમાવ્યું છે. એવા સમયે સમગ્ર દેશવાસીઓ કેરળના બાંધવોની મદદે આવી રહયા છે ત્યારે શહેર ભા.જ.પ દ્વારા પણ રાહત સામગ્રીની કીટ બનાવી કેરળ ખાતે રવાના કરવામાં આવી હતી.

શહેર ભા.જ.પ. અધ્યક્ષશ્રી સનતભાઇ મોદીએ જણાવ્યું હતું કે કેરળ ખાતે ભારે વરસાદ અને પુર હોનારતને કારણે વ્યાપક નુકશાન ઉભું થયું છે. ખાસ કરીને પુરની સ્થિતિ ઓસરતા હવે સમગ્ર કેરળમાં રાહત સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓની જરૂરીયાતો ઉભી થઇ છે. એવા સમયે ''વસુદેવ કુટુમ્બકમ્'' ની ભાવના સાથે સમગ્ર દેશ માનવીય સંવેદના સાથે કેરળના બાંધવોની પડખે ઉભો રહયો છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પણ કેરળના પુર પીડિતોની સહાય માટે આગળ આવી છે.

ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આજે કેરળના પુર પીડિતો માટે અનાજ સામગ્રી ઘઉં, ચોખા, દાળ, ચણા, સાડી, ધોતી, ચાદર, ટુવાલ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓની ૨૫૦ જેટલી કીટો તૈયાર કરી ટેમ્પા દ્વારા ગુજરાત પ્રદેશ ખાતે રવાના કરવામાં આવી હતી. જયાં સમગ્ર ગુજરાત માંથી આવનારી તમામ કીટોને એકત્રિત કરી ગુજરાત પ્રદેશ ભા.જ.પ. કેરળના જરૂરિયાતમંદ પુર પીડિતો સુધી પહોંચાડશે.

શહેર ભા.જ.પ. દ્વારા રવાના કરવામાં આવેલ કીટોની વ્યવસ્થા અને સંકલન શહેર ભા.જ.પ. અધ્યક્ષશ્રી સનતભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઇ રાવલ અને રાજુભાઇ બાંભણીયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જે આજે પ્રદેશ ભા.જ.પ કાર્યાલય ખાતે રવાના કરવામાં આવી હતી. તેમ પ્રવકતા આશુતોષ વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(૧.૧)

(12:23 pm IST)