Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવા થનગનાટઃ આહિર સમાજ ભવનમાં રાસોત્સવ

દ્વારકા, તા. ૧ :. સમગ્ર દેશ અને વિશ્વભરમાં નોંધ લેવાય તેવી ભવ્ય ભાતીગળ શોભાયાત્રા જન્માષ્ટમીના દિને કાન્હા વિચાર મંચ આયોજીત યોજાવાની છે. જેના માટે આવતીકાલે બસ્સો યાદવ સમાજના યુવાનો દ્વારકા ખાતે આવી પહોંચશે અને કાન્હા વિચાર મંચના યુવાનોની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યક્રમની જવાબદારી યુવાનોને સોંપવામાં આવશે.

શ્રી કૃષ્ણનગરીમાં પ્રથમ વખત આ ધર્મમય શોભાયાત્રાનો ખૂબજ ઉત્સાહ છે અને પ્રચાર પ્રસાર થયો છે. શોભાયાત્રામાં પચીસ હજાર ભાવિકો જોડાય તેવો અંદાજ છે. જેમા ભોજન(પ્રસાદ)ની વ્યવસ્થા તથા રહેવા - ઉતારા સહિતની વ્યવસ્થા કાન્હા વિચાર મંચ કરી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ એ જ્યાં વસવાટ કર્યો છે તેવી દ્વારકાનગરીની એક એક ગલીઓ અને જાહેર માર્ગો પર કૃષ્ણ જન્મોત્સવ શોભાયાત્રાના બેનર તથા સ્વાગત કમાનો ઉભી કરવામાં આવી રહી છે.

દ્વારકાધીશજીના દરબારમાં બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ગુજરાત પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જીલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે નવા ગોમતી ઘાટ પર બે દિવસ સુધી રાત્રીના ૯ વાગ્યે યોજાવાના હોય તેની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આમ દ્વારકામાં જન્માષ્ટમી આ વખતે નવો રંગ પકડી રહી છે.(૨-૩)

 

(12:20 pm IST)