Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ગોંડલ કેરેલા પૂર પીડિત પડખે ભારતના જીએસટી પ્રોફેશનલ્સ

દરેક રાજયના જીએસટી પ્રોફેશનલ્સ દરેક વેપારી સંસ્થાઓને મળી, પત્ર લખી કેરેલા ના કરદાતાઓ પડખે ઊભા રહેવા રજૂઆત

ગોંડલ, તા.૧:રાજકોટ જિલ્લા જીએસટી પ્રોફેશનલ્સ એસોસિએશન ના પ્રમુખ મનીષભાઈ સોજીત્રા એ જણાવ્યું હતું કે હાલ કેરેલા અને ભારતના અનેક ભાગો માં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને જેને કારણે અનેક વેપારીઓ ના માલ નષ્ટ થઈ ગયેલ છે અને વેચવા લાયક રહ્યા નથી. ભારતમાં માલ પર વીમો લીધો હોય તેવું દરેક કિસ્સામાં બનતું નથી અને આ એકટ ઓફ ગોડ ને કારણે વેપારીઓની પણ વિષમ પરિસ્થિતિઓ સર્જાઈ છે.

જીએસટી ના કાયદાની કલમ ૧૬ માં રહેલ જોગવાઈ મુજબ ઉચ્ચક વેરાનો વિકલ્પ પસંદ કરેલ છે તે સિવાયના દરેક વેપારીઓ જે માલ ખરીદ કરે છે તે સાપેક્ષ તેઓ તે માલ પર ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ મેળવતા હોય છે પરંતુ આજ કાયદાની કલમ ૧૭ માં એવું જણાવેલ છે કે જો વેપારી નો માલ નષ્ટ થઈ જાય તો તેઓને ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ મળતી નથી અને જે સંજોગોમાં વેપારીએ સદર ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ મેળવી લીધેલ હોય તેઓ ફરજિયાત પણે તેને રિવર્સ કરવી પડશે.

હાલ, કેરેલામાં એવી સ્થિતિ છે કે ટેક્ષ ઓફિસરો કરદાતાઓને માલ નુકસાની બાબતે નોટિશ આપી પૂછી રહ્યા છે અને બિચારા નાના વેપારીઓ વધુ નુકશાન ન થાય અને ઈનપુટ ટેક્ષ ક્રેડિટ રિવર્સલના વધારાની રકમ ભરવી ન પડે તે માટે નુકસાની નો દાવો ઓછો દેખાડી રહ્યા છે; આના કારણે સરકારી સહાય થી તો તેઓ વંચિત રહે છે તે ઉપરાંત વીમા વળતર મળશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ભારતભરમાં જીએસટીનો વ્યવસાય કરતાં પ્રેકટિશનર્સ અને વકીલો કે જેઓ વેપારીઓની હકીકતે નજીકના કાયદા મિત્ર કહેવાય છે તેઓ આ પરિસ્થિતિને કારણે પડ્યા પર પાટુ ન બને તે માટે રજૂઆતોનો દોર ચાલુ કરેલ છે અને ભારતના દરેક રાજયના જીએસટી પ્રોફેશનલ્સ દરેક વેપારી સંસ્થાઓને મળી, પત્ર લખી કેરેલા ના કરદાતાઓ પડખે ઊભા રહેવા રજૂઆત કરવા મનાવી રહ્યા છે અને ઈશ્વર સર્જિત કુદરતી હોનારતો માં નાશ પામેલ માલ પર ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ રિવર્સ ન કરાય તેવી રજૂઆતો વેપારી સંસ્થાઓ દ્વારા જીએસટી કાઉન્સીલ ને કરાવાય તે બાબતે ડ્રાફ્ટ પણ આપી રહ્યા છે.

ભારતભરના જીએસટી પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવતી આ કાર્યવાહીને કારણે દેખીતી રીતે પુરપીડિતોની યાદીમાં ન આવતા કેરેલાના કરદાતાઓને અનેકગણી સહાય માત્ર આ પ્રકારની રજૂઆતોથી જ મળી શકે તેવું પણ બની શકે છે.

ભારતભર માં આ કાર્યવાહીનું સંકલન નેશનલ એકશન કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ કરી રહી છે. જે હાલ ભારતના જીએસટી ના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યવસાયિકોની એક માત્ર એવી કમિટી છે જેમાં ભારતના દરેક રાજયોના અનેક એશોસીએશનોની માન્યતા થી દરેક રાજયોના જીએસટી પ્રોફેશનલ જોડાયેલ છે.(૨૩.પ)

 

(12:16 pm IST)