Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ભાવનગરમાં કુખ્યાત શખ્સને આવકારવા લાગેલા બેનરો પોલીસે હટાવ્યા

 ભાવનગર તા. ૧: ભાવનગરમાં ભારે ચર્ચાને ચકડોળે થયેલા આ બનાવની વિગતો એવી છે કે મર્ડર, ખંડણી ઉઘરાવવા સહિતનાં અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા નામીચા ઉબેદ અબ્દુલ કરીમ શેખ હાલ જુનાગઢ જેલમાં હત્યાનાં ગુન્હામાં સજા કાપતો હતો દરમ્યાન તેને શરતી જામીન મળતાં તેની ખુશી મનાવવા ઉબેદ જયારે ભાવનગર આવે ત્યારે તેને ભવ્ય રીતે આવકારવા વેલકમ પાર્ટીનું ભવ્ય આયોજન કરાયું હતું. તેટલું જ નહિં શહેરનાં હલુરીયા ચોકથી લઇ છેક જોગવાડની ટાંકી ઇન્ડીયા હાઉસ સુધી એટલે ઉબેદનાં ઘર સુધીમાં બન્ને બાજુ રસ્તઓને ડેકોરેશન, કમાનો અને લાઇટીંગ કરી શણગારવામાં આવેલ અને ઉબેદને વેલકમ કરતાં બેનરો લગાવામાં આવેલ.

એક ગેંગસ્ટરને આવકારવા રસ્તાઓમાં બેનરો લગાડતાં અને ભવ્ય પાર્ટીનું આયોજન કરાતાં શહેરમાં ચકચાર જાગી હતી અને પોલીસને આની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને ક્રિમીનલ ઉબેદની વેલકમ પાર્ટીને બંધ રખાવી રસ્તાઓ ઉપર બેનરો, ડેકોરેશન હટાવી દીધું હતું.

પોલીસે જાતે ફરીયાદી બની આરોપીનાં બેનરો લગાવી બન્ને પક્ષે વૈમનસ્ય પેદા થાય તેવી હરકત અંગે જુદી જુદી ત્રણ ફરીયાદો સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધી છે.

દરમ્યાન ભાવનગરનાં કુખ્યાત ઉબેદને જુનાગઢ જેલમાંથી શરતી જામીન મળતાં તેને લેવા ભાવનગરથી ૧૬ શખ્સો કારમાં હથિયારો સાથે ગયા હતા. જે અંગેની જાણ જુનાગઢ પોલીસને થતા પોલીસે ભાવનગરનાં એજાજ અબ્દુલ શેખ સહિત ૭ શખ્સો સામે કારમાં પાઇપ રાખવા મામલે ફરીયાદ નોંધી છે જયારે હસનામ અલી આરબ નામનાં શખ્સ સહિત અન્ય બે સામે છરી રાખવાનો ગુન્હો નોંધાયો છે. તેમજ હનીફભાઇ મુસાભાઇ મગવાન સહિત ૪ શખ્સો સામે ફરશી નામનું હથિયાર રાખી હથિયારધારા જાહેર નામાનો ભંગ અંગે ગુન્હો નોંધી તપાસ કરી છે. ભાવનગરમાં ઉબેદ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે. (૭.ર૧)

(12:06 pm IST)