Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ભાવનગર જીલ્લાના મોરચંદ ગામના ખેડૂત હરદેવસિંહ ગોહિલ પરિવાર દ્વારા ૭૦ વિઘા બંજર બનેલી જમીનમાં ઓર્ગેનીક ખેતીના સથવારે ખેત પેદાશોનું ઉત્પાદન કરીને લાખોની કમાણી

ભાવનગર : રાસાયણિક ખાતરની તંગી વચ્ચે ઓર્ગેનિક ખાતર જીવમૃતનો ઉપયોગ કરીને પણ ખેતીને સમૃદ્ધ કરી શકાય છે એ વાતને ભાવનગરના ખેડૂતે સિદ્ધ કરી બતાવ્યું છે. એક પણ જાતના રાસાયણિક ખાતરના ઉપયોગ વગર માત્ર ગૌવંશના છાણ, ગૌમૂત્ર, ગોળ અને અન્ય સંપૂર્ણ દેશી વસ્તુઓ ભેગી કરી બનાવેલા જીવામૃતના ઉપયોગથી ૭૦ વિઘા બંજર જમીનમાં વિવિધ ખેત પેદાશો દ્વારા વર્ષે લાખો રૂપિયાનો ફનો મેળવતા ખેડૂતે રાસાયણિક ખાતર પાછળ ઘેલા બનેલા ખેડૂતોને નવી રાહ ચીંધી છે.

ભાવનગર જિલ્લાના મોરચંદ ગામના ખેડૂત હરદેવસિંહ ગોહિલનો પરિવાર વર્ષો પહેલા પોતાની ૭૦ વિઘા બંજર બનેલી જમીન ખેતી છોડી ભાવનગરમાં સ્થાયી થયો હતો. માત્ર ધોરણ ૧ર સુધી અભ્યાસ કરીને કમિશન એજન્ટ તરીકે ધંધો શરૂ કરનાર હરદેવસિંહ વર્ષ ૮થી ૧૦ લાખ રૂપિયા કમાઇ લેતા હતાં. પરંતુ ગૌવંશ પ્રત્યેના લગાવના કારણે અને તેને બચાવવાના પ્રયત્નો માટે તેઓએ પોતાનો કમિશનનો ધંધો બંધ રી ર૦૦૮માં મોરચંદ ગામે આવેલ પોતાની ૭૦ વિઘા બંજર જમીનમાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે પણ બંજર બનેલી જમીનને ફળદ્રુપ બનાવવા પાણીની જરૂર પડે અને કુવાના તળ નીચા જતા રહ્યાં હતાં. એટલે પાણી કયાંથી લાવવું એ પ્રશ્ન એમના માટે વિકટ બની ગયો હતો. 'મન હોય તો માળવે જવાય' એ કહેવતને તેમણે ચરિતાર્થ કરી બતાવી. પોતાની ૭૦ વિઘા જમીનમાંથી ૧ વિઘા જમીનમાં એક ટ્રેકટર અને ૮ મજૂરોની મદદથી ખેત તલાવડીનું નિર્માણ કર્યું અને સારો વરસાદ થતાં તલાવડી ભરાઇ ગઇ. ત્યારે ગૌવંશના ગોબર, ગૌમૂત્ર, ગોળ અને અન્ય દેશી વસ્તુઓના ઉપયોગથી જીવામૃત બનાવ્યું અને ખેતીની શરૂઆત કરી. ધીમે ધીમે ખેતી સમૃદ્ધ થતી ગઇ એમ ખેત તલાવડીનો વ્યાપ પણ વધારતા ગયા. આજે તેમની વાડીની પ વિઘા જમીનમાં બનેલી ખેત તલાવડીમાં ભરપૂર પાણી ભર્યું છે, જેના કારણે પોતાના કૂવા સાથે આજુબાજુના પ૦ થી વધુ ખેડૂતોની વાડીમાં આવેલ કુવાના તળ પણ ઉંચા આવ્યા છે. જેના કારણે પાણીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઇ ગયો છે. તેમજ ઓર્ગેનિક ખેતી પણ વધુને વધુ સમૃદ્ધ બનતા વર્ષે રપ લાખથી વધુ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી રહ્યા છે.

રાસાયણિક ખાતરના બદલે ગોબર, ગૌમૂત્ર અને ગોળ દવા બનાવેલ જીવામૃતનો ઉપયોગ કરી ખેતી શરૂ કરનાર આ ખેડૂતને આજુબાજુના ખેડૂતોએ ઘણું સમજાવ્યા હતાં કે, રાસાયણિક ખાતર વગર ખેતી શકય જ નથી. પરંતુ તેઓએ પોતાનો પ્રયાસ ચાલુ રાખ્યો, અને એક પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર દેશી ખાતર અને જીવામૃત થકી વિવિધ પ્રકારના પાક લેવાનું ચાલુ કર્યું. જેથી હાલ શાકભાજી, કઠોળ, અનાજ, મગફળી, શેરડી અને કપાસ જેવા પાકો લહેરાઇ રહ્યા છે. સાથે ઓર્ગેનિક ખેત પેદાશોની માંગ વધતા વાડીમાં પાકતી તમામ પેદાશો વાડીમાં જ વેચાઇ જાય છે, તેને વેચવા બહાર નથી જવું પડતું. જેના કારણે તેમને વર્ષે લાખો રૂપિયાનો નફો થઇ રહ્યો છે. ત્યારે આજે સમય એવો આવ્યો છે કે, અન્ય ખેડૂતો પણ તેમની વાડીને જોવા મુલાકાતે આવતા થયા છે.

ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલા શાકભાજી, કઠોળ અને અનાજની માંગ ખૂબ જ વધી રહી છે, ત્યારે તેના ખૂબ જ સારા ભાવો પણ મળી રહ્યા છે. જયારે જીવામૃતના ઉપયોગથી કપાસમાં પણ સારૂ ઉત્પાદન મળી રહ્યું છે. વાડીમાં ઉગેલી મગફળીનું તેલ પણ તેઓ વાડીમાં જ કઢાવડાવે છે, જે ૧પ કિલો સીંગતેલનો ડબ્બો રૂપિયા ૩ હજારના ભાવે વેચાઇ જાય છે, જયારે વાડીમાં ઉગતી ર પ્રકારની શેરડીમાંથી લાલ શેરડીનો તેઓ પોતાની વાડીમાં જ કોઇ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક ગોળ, બનાવડાવે છે જે ૭૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યો છે. જયારે જીવામૃત બનાવ્યા બાદ વધેલા વેસ્ટને પણ તેઓ ફેંકી નથી દેતા. તેમાંથી છાણના કુંડા બનાવી તેનું પણ વેચાણ કરી રહ્યા છે, જેથી તેઓને વર્ષે રૂપિયા રપ લાખથી પણ વધુની કમાણી થઇ રહી છે. હરદેવસિંહનું કહેવું છે કે, ખેડૂત ધારે તો બીજા કોઇપણ ધંધા કરતા ખેતી સૌથી વધુ કમાણી કરી શકાય છે.

સમગ્ર ગુજરાતમાં હાલમાં યુરિયા ખાતરની ખૂબજ તંગી વર્તાઇ રહી છે., ખેડૂતોને પૂરતું ખાતર પણ મળતું નથી. તેમજ બઅલગ અલગ રાસાયણિક ખાતર પાછળ ખેડૂતોને વર્ષે ૧ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે. જયારે જીવામૃત પાછળ વર્ષે માત્ર ર૦ હજાર રૂપિયા ખર્ચ થાય છે, જેથી ખેડૂતોની નફાની રકમની પણ બચત થાય છે. તેમજ રાસાયણિક દવાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને સારા બેકટેરિયા અને કીટકોનો પણ નાશ થઇ જાય છે, તો બીજી તરફ રાસાયણિક ખાતરનો ઉપયોગ માનવ માટે પણ અત્યંત હાનિકારક સાબિત થઇ રહ્યો છે, એવામાં મોરચંદ ગામના ખેડૂત હરદેવસિંહ દ્વારા ગોબર, ગૌમૂત્ર અને ગોળના મિશ્રણથી બનાવાયેલ જીવામૃત ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની શકે છે, દેશી પદ્ધતિથી બનેલા જીવામૃતથી જમીન, માનવી અને કીટકને માત્ર ફાયદો જ થાય છે, તેમજ ઓછા ખર્ચે સારો નફો પણ મેળવી શકાય છે.

(5:55 pm IST)