Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વઢવાણમાં પોણા ત્રણ, ચુડા-૨, કાલાવડ - જામવાડીયામાં ૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કયાંક ભારે કયાંક હળવો વરસાદ : મિશ્ર હવામાન યથાવત

રાજકોટ તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કયાંક ભારે કયાંક હળવા વરસાદ વચ્ચે આજે પણ મિશ્ર હવામાન યથાવત છે.

આવા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરના વઢવાણમાં પોણા ૩ ઇંચ, ચુડામાં ૨ ઇંચ, જામનગરના કાલાવડ અને જામવાડીમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.

આકાશમાં વાદળોની આવ-જા અને અસહ્ય બફારા વચ્ચે ઝરમર - ઝાપટા પડી રહ્યા છે. જરૂરીયાતના સમયે વરસી રહેલા પાણીથી ખેડૂતોમાં આનંદ છે. નોંધપાત્ર વરસાદ તાલાલા પંથકમાં હતો. ઉપરવાસ અને જંગલ વિસ્તારમાં બે ઇંચ પાણી પડયું હતું. કાલે તાલાલામાં વીરામ હતો. પરંતુ ઉપરવાસના વરસાદના કારણે તાલાલાની હીરણ નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટયા હતા. આ ઉપરાંત વંથલીમાં દોઢ, ભેંસાણમાં એક અને વિસાવદરમાં અડધો ઇંચ વરસ્યો હતો.

સુરેન્દ્રનગર

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહેવા પામી હતી જયારે ખાસ કરી ગઈ કાલે પણ સાંજના સમયે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો હતો જેમાં ખાસ કરીને વઢવાણ ચુડા સાયલા દસાડા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો ત્યારે ગઇકાલે સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પોણા ત્રણ ઇંચથી અડધા ઇંચ સુધી વરસાદ જિલ્લામાં નોંધાવા પામ્યો હતો.

ગઈકાલે પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં વરસાદ થવા પામ્યો હતો ત્યારે વઢવાણમાં પોણા ત્રણ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ફકત બે જ કલાકમાં વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વઢવાણ માં આવેલ ભોગાવો નદીમાં પણ નવા નીરની આવક ઉભી થવા પામી હતી ત્યારે આગળ આવેલ ચેક ડેમ પણ હાલમાં વરસાદના પગલે ભરાઈ જવા પામ્યો છે ત્યારે આ ચેકડેમમાંથી વઢવાણના અનેક તાલુકાઓના ખેડૂતો પિયત માટે પાણી નો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જિલ્લામાં ગઈકાલે પડેલા સાર્વત્રિક વરસાદના પગલે ચેક ડેમ ભરાઈ જવાના કારણે ખેડૂતોમાં પણ ઉત્સાહનો નો માહોલ જોવા મળ્યો હતો.

જામનગર

જામનગર : કાલાવડ અને જામજોધપુરના જામવાડીમાં ૧ ઇંચ તથા મોટા ખડબા, મોડપર, ભ.ભેરાજામાં ઝાપટા વરસ્યા હતા. આજનું હવામાન ૩૪.૫ મહત્તમ, ૨૬.૫ લઘુત્તમ, ૯૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૨૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(

(11:57 am IST)