Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જામનગરમાં સર્પસૃષ્ટિ પોસ્ટરનું વિમોચન કરતા રાજ્યમંત્રી જાડેજા

જામનગર,તા.૧: સાપ વિશે આપણાં સમાજમાં અનેક ગેરમાન્યતાઓ છે. જેના લીધે અનેક લોકો સાપને પોતાનો દુશ્મન સમજે છે. સાપ વિષે અપૂરતી માહિતીના કારણે બિન ઝેરી સાપ કરડવાથી પણ લોકો મૃત્યુ પામે છે.

સાપ અંગેની ખરી હકીકત સમાજનાં ખૂણે-ખૂણે પહોંચાડવા જામનગરની સેવા સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા ગુજરાતમાં જોવા મળતા ચાર ઝેરી સાપોની માહિતી દર્શાવતું એક પોસ્ટર પ્રકાશિત કરવામાં આવ્યું જેનું આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

 આ પોસ્ટર શહેર-ગ્રામ્યની સ્કૂલ,કોલેજો અને સરકારી કચેરીઓમાં લગાડવામાં આવશે. વિમોચન પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, 'આ પોસ્ટરથી પુરાતનકાળથી મનુષ્ય અને સાપનો ચાલ્યો આવતો નાતો કેવો વિશિષ્ટ છે એ લોકોને ખ્યાલ આવશે. ભગવાન શિવના ગળામાં ધારણ કરેલ સાપએ ભારતીય સંસ્કૃતિમાં સાપનું શું મહત્વ છે એ દર્શાવે છે. સાપ એ ખેડૂતનો મિત્ર છે ત્યારે લોકોમાં રહેલી સાપ વિષેની ભ્રામક માન્યતાઓ અંગે સ્પષ્ટતા થવાથી લોકોને સચોટ માહિતી મળશે. આ પોસ્ટર દ્વારા સામાન્ય માણસને પણ ઝેરી-બિનઝેરી સાપની ઓળખ થશે જેના લીધેઙ્ગ સાપ અને લોકોના જીવ બચાવી શકીશું.'

આ જાગૃતિલક્ષી કાર્ય માટે નવાનગર નેચર કલબના વિજયસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, દિનેશભાઇ દેસાઇ, મિતેશભાઇ બુધ્ધભટ્ટી, ધર્મેશભાઇ અજા, દિલિપસિંહ જેઠવા, વનરાજસિંહ ચૌહાણ અને કુલદીપસિંહ ઝાલાએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:10 am IST)