Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ત્રંબામાં બે મકાનમાંથી રોકડ અને મોબાઇલની ચોરીઃATM તોડવાનો પ્રયાસ

બેંક ઓફઇન્ડીયાના એટીએમમાં પથ્થરના ઘા કરી દરવાજો તોડી ચોરીનો પ્રયાસ

તસ્વીરમાં જ્યાં ચોરી થઇ તે મકાનો અને વેરવિખેર કબાટો તથા જે એટીએમને તોડવાનો પ્રયાસ થયો તે જોઇ શકાય છે. તસ્વીરો ત્રંબાથી જી.એન. જાદવે મોકલી હતી

રાજકોટ તા.૧: ભાવનગર રોડ પર ત્રંબાગામમાં બુકાની ધારી તસ્કરોએ બે મકાન અને એક એટીએમને નિશાન બનાવી બે કોળી પરિવારના મકાનમાંથી રોકડ તથા મોબાઇલ ફોન ચોરી કર્યા બાદ બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી વિગત મુજબ ત્રંબા ગામમાં રહેતા અને સ્ટુડીયો ધરાવતા કલ્પેશભાઇ પોપટભાઇ ડેરવાડીયા (ઉ.વ.૩૫) (કોળી) તેના ત્રણ ભાઇઓ સહિત પરિવારજનો ઘરમાં તથા ફળિયામાં સૂતા હતા. ત્યારે મોઢે રૂમાલ બાંધીને તસ્કરોએ વંડી ટપી ઘરમાં ઘુસી કોળી પરિવારની નીંદ્રામાં અલેલ ન પહોંચે તે રીતે ઘરમાં કબાટ તથા સામાન વેરવીખેર કર્યો હતો. અને કલ્પેશભાઇએ ટીંગાડેલા પેન્ટના ખીસ્સામાંથી રૂ.૪૦૦૦ રોકડા ચોરી ગયા હતા. ત્યારબાદ ગામમાંજ રહેતા મહેશભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ.૩૫) પત્ની અને ત્રણ સંતાન સાથે ઘરમાં સૂતા હતા. ત્યારે તસ્કરોએ ઘરમાં ઘૂસી કબાટમાં રૂ.૫૦ હજાર રોકડા તથા ચાર મોબાઇલ ચોરી કરી નાશીગયા હતા.મહેશભાઇએ ઇકો કારલેવા માટે પૈસા રાખ્યા હતા. બાદ તસ્કરોએ ત્રંબાગામના બસ સ્ટેશન પાસે આવેલા બેંક ઓફ ઇન્ડીયાના એટીએમમાં પણ પથ્થરના ઘાકરી દરવાજો તોડી અંદર પ્રવેશી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. બંને પરિવારના સભ્યો સવારે ઉઠયા ત્યારે ઘરમાં સામાન વેરવિખેર જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ રાજકોટ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. બાદ કંટ્રોલ ઇન્ચાર્જે આજીડેમ પોલીસમાં જાણ કરતા પીએસઆઇ કડછા સહિતે સ્થળપર પહોંચી ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે. અને એટીએમના સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી  છે.

(4:02 pm IST)