Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગીર-સોમનાથ જિલ્લાના ૩ થી ૬ વર્ષના ૧૧૬૬ આંગણવાડી કેન્દ્રોના ૨૯૧૫૬ બાળકોને યુનિફોર્મ

પ્રભાસપાટણ તા.૧ : ગીર-સોમનાથ જિલ્લાના ઇણાજ સેવાસદન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને આંગણવાડીના બાળકોને યુનિયોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મહિલા અને બાળ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા અને રાજયકક્ષાના મંત્રી  વિભાવરીબેન દવે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતા. ગીર-સોમનાથ જિલ્લાની આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના ૨૯,૧૫૬ બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમના ભાગરૂપે કાર્યક્રમ સ્થળેથી ૬ બાળકોને યુનિફોર્મની સાથે સેનિટાઇઝરની નાની બોટલ, માસ્ક, રૂમાલવાળી હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં રાજય સરકાર દ્વારા આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૧૪૨૬૭ કન્યા અને ૧૪૮૮૯ કુમારને યુનિફોર્મનો લાભ મળશે. બાળકોને ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીના નાના ભૂલકાંઓને યુનિફોર્મ આપવા માટે જે નવીનતમ પહેલ કરી છે ખરેખર અભિનંદનીય છે. આ યુનિફોર્મ રાજયના ભુલકાઓમાં એકસૂત્રતાનો ભાવ જાળવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.  તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવીન્દ્ર ખતાલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૧૬૬ આંગણવાડી કેન્દ્રો આવેલા છે. ૧૩૯૮૦૮ લાભાર્થીઓને સુખડી વિતરણ તથા ટેકહોમ રાશન વિતરણ કરવામાં આવ્યું છે. આજનું બાળકએ આવતીકાલનું ભવિષ્ય છે અને બાળકના દ્યડતરમાં આંગણવાડીના કર્મીઓનો અમૂલ્ય ફાળો છે. આંગણવાડીની બહેનો પોતાના દ્યર પરિવાર, બાળકો, વૃદ્ઘ માતા-પિતા કે સાસુ સસરાની દેખભાળની સાથે સાથે આંગણવાડીના બાળકોનું પણ એટલું જ જતન કરે છે અને વિશેષ ધ્યાન આપે છે તે ખરેખર પ્રશંસનીય છે.

આ તકે મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી વિલાશબેન દોમડીયા, અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન.પ્રોગ્રામ ઓફીસરશ્રી પલ્લવી બારૈયા અને જિલ્લાના સીડીએચઓ તેમજ આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:00 pm IST)