Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જસદણના દેવપરા ગામની સીમમાં વૃધ્ધ-માવજીભાઇ કોળીની હત્યા

આટકોટના વિરનગરના વૃધ્ધની હત્યાનો ગઇકાલે જ ભેદ ઉકેલાયો ત્યાં જ જસદણ પંથકમાં બીજી હત્યાનો બનાવ બનતા ચકચાર : દાઝેલા લોકોને વિનામૂલ્યે દેશી મલમ આપતા માવજીભાઇના પગ-હાથ અને મ્હો ઉપર ડૂચો બાંધેલ હાલતમાં લાશ મળીઃ હત્યા લૂંટના ઇરાદે કે અન્ય કારણોસર? તપાસનો ધમધમાટ

તસ્વીરમાં કોળી વૃધ્ધની હત્યા કરાયેલ હાલતમાં લાશ નજરે પડે છે. તેમજ ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસ કાફલો નજરે પડે છે. (તસ્વીર : વિજય વસાણી -આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧ :.. જસદણના દેવપરા ગામની સીમમાં રહેતા કોળી વૃધ્ધની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા ચકચાર જાગી છે. વિરનગરના વૃધ્ધની હત્યાનો ભેદ ગઇકાલે ઉકેલાયા બાદ આજે જસદણ પંથકમાં વધુ એક હત્યાનો બનાવ બનતાં. ખળભળભાટ મચી ગયો છે. વૃધ્ધની હત્યા લૂંટના ઇરાદે કરાઇ તે અન્ય કારણોસર? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણના દેવપરા ગામની સીમમાં વાડીમાં જ રહેતા માવજીભાઇ મેરામભાઇ વાછાણી કોળી (ઉ.વ.૬પ) ની આજે સવારે તેની વાડીની ઓરડીમાં હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા આ અંગે જસદણ પોલીસને જાણ કરાતા જસદણના પી.આઇ. કે. જે રાણા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક માવજીભાઇના હાથ-પગ-બાંધી અને મ્હો ઉપર ડૂચો દઇ કોઇએ ઢીમ ઢાળી દિધાનું ખુલ્યું છે. મૃતક માવજીભાઇ દેવપરા ગામની સીમમાં તેની વાડીમાં રહી દાઝેલા લોકોને વિનામુલ્યે મલમ આપી સેવાનું કામ કરતા હતા જયારે તેના પુત્રો અને અન્ય પરિવારજનો ગામમાં રહે છે.

ગઇકાલે રાત્રે મૃતક માવજીભાઇને વાડીએ તેના પરિવારજનો ટીફીન દઇ ગયા હતા અને દૂધ લઇ ગયા હતાં. આજે સવારે કોઇ મલમ લેવા આવતા માવજીભાઇની હત્યા કરાયેલ હાલતમાં લાશ જોતા તેના પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર માવજીભાઇના હાથ-પગ અને મ્હો ઉપર ડૂચો મારેલો છે. હત્યારાઓએ મૃતક માવજીભાઇ રાડો ન નાખે તે માટે મ્હો ઉપર ડૂચો મારી દિધો હોવાનું ભારણ છે. ઓરડીમાં સામાન વિરવિખેર હાલતમાં છે. જેથી એકથી વધુ હત્યારાઓ હોવાની પોલીસને શંકા છે. મતૃક માવજીભાઇની હત્યા લૂંટના ઇરાદે થઇ છે કે અન્ય કારણોસર ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યા પાછળ  સ્ત્રીપાત્ર પણ કારણભૂત હોવાની શંકાએ પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

મૃતક માવજીભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જે બન્ને પરણિત છે. વિરનગરના વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયાની ગણત્રીના કલાકોમાં જ જસદણ પંથકમાં વધુ એક હત્યા થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

(11:22 am IST)