Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કોટડાસાંગાણી તાલુકાની માસૂમ બાળા સાથે અડપલા કરવા અંગે પ્રૌઢ શખ્સને ૧૦ વર્ષની સજા ફરમાવતી ગોંડલ સેસન્સ કોર્ટ

રાજકોટ, તા. ૧ :. કોટડા સાંગાણી તાલુકાના પંથકમાં રહેતી સાત વર્ષની માસુમ બાળકી સાથે અડપલા કરવાના ગુન્હામાં વૃદ્ધ રમેશ દેવજીભાઈ વાઘેલાને ૧૦ વર્ષની સખત કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી હતી.

આ કેસની ટૂંકી હકીકત એવી છે કે રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના પંથકમાં રહેતી સગીર બાળકી ગઈ તા. ૩૧-૧-૧૯ના રોજ બપોરે સ્કૂલે જતી હતી તે સમયે રીશેષ પડતા આરોપી રમેશભાઈ દેવજીભાઈ વાઘેલાએ સગીર બાળકીના શરીરના અંગો સાથે અડપલા કરેલ હતા. જેથી બાળકીએ આ બાબતની જાણ તેના માતાને કરેલ જેથી બાળકીના માતુશ્રીએ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં આરોપી રમેશ દેવજી વાઘેલા સામે ફરીયાદ આપેલ અને પોલીસે ભારતીય દંડસહિંતાની કલમ ૩૫૪(ક) તથા પોકસો - એકટની કલમ-૫(કે)(એમ) તથા ૬ મુજબનો ગુન્હો દાખલ કરેલ હતો.

ત્યાર બાદ પોલીસે આરોપી રમેશભાઈ દેવજીભાઈ વાઘેલાની આ ગુન્હાના કામે ધરપકડ કરેલ હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું.

આ કામના આરોપી સામે સદર ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવ્યા બાદ ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલશ્રી ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને સરકારશ્રી તરફે કુલ ૧૧ સાહેદો તપાસવામાં આવેલ અને પોકસો અદાલતે મુખ્યત્વે ભોગ બનનારની જુબાની તથા ડોકટરશ્રીની જુબાની તેમજ તપાસ કરનાર પીએસઆઈ કે.બી. સાંખલાની જુબાનીને પુરાવામાં ગ્રાહ્ય રાખી અને સરકારી વકીલશ્રી ઘનશ્યામ કે. ડોબરીયાની દલીલોને ધ્યાને લઈ આરોપી રમેશભાઈ દેવજીભાઈ વાઘેલાને ભારતીય દંડસંહિતાની કલમ ૩૫૪(ક), પોકસો એકટની કલમ ૫(કે)(એમ) તથા ૬ મુજબના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી ગોંડલના એડી. સેશન્સ જજ શ્રી વી.કે. પાઠકે ૧૦ વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતા.

(10:16 am IST)