Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભુજ માંડવી રોડ ઉપર ૧૦ લાખની લૂંટ : પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો

માનકુવા ગામના સુથારે ફરિયાદ નોંધાવી : ભેદ ઉકેલાયા બાદ માનકુવા ગામમાં ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : ભુજ માંડવી રોડ ઉપર ખત્રી તળાવ પાસે કાર અટકાવી છરીની અણીએ ૧૦ લાખ રૂપિયાની લૂંટના બનાવની પોલીસ ફરિયાદે ચકચાર સર્જી હતી. ભુજના માનકુવા ગામમાં સુથારી કામ કરતાં ૪૩ વર્ષીય યુવાન ભગુભાઈ માવજી સુથારે પોતે પુનડી ગામે પ્લોટનો સોદો કરવા ૧૦ લાખ રૂ. લઈ જતા હતાં ત્યારે પોતાની કારની આડે બીજી કાર વડે આંતરીને ત્રણ શખ્સોએ મુન્દ્રા જવાના રસ્તાની પૂછપરછ કરી ઝપાઝપી કરી છરીની અણીએ કારની પાછળની સીટ ઉપર રાખેલા ૧૦ લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એસ.બી. વસાવાએ આ અંગે ફરિયાદ નોંધી રૂપિયા ૧૦ લાખની રકમ તેમ જ પ્લોટના સોદા અંગે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતાં સનસનાટીભર્યો ખુલાસો થયો હતો. ફરિયાદી ખુદ જ ગુનેગાર નીકળ્યો હતો. માનકુવાના ભગુભાઈ સુથાર ઉપર ૪૦ લાખ રૂ.નું લેણું ચડી ગયું હોઈ પોતાની ઉપર ચડી ગયેલ દેવાના ડરથી જાતે જ લૂંટનું તરકટ રચીને ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)