Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ઘાતક હુમલા સાથે લૂંટ-ધાડ કરનારાં ચીરઈના બે કુખ્યાત બૂટલેગર સહિત વધુ 5 આરોપી ઝડપાયા

ભચાઉના મોટી ચીરઈ ગામે દલિત પરિવારના ઘરમાં ઘૂસીને બંદૂક, તલવાર, ધારીયા સહિતના ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરી ઘર-કારમાં તોડફોડ કરી લાખો રૂપિયાની ધાડનો ગુન્હો

ભચાઉના મોટી ચીરઈ ગામે દલિત પરિવારના ઘરમાં ઘૂસીને બંદૂક, તલવાર, ધારીયા સહિતના ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરી ઘર-કારમાં તોડફોડ કરી લાખો રૂપિયાની ધાડ પાડવાના ગુનામાં પોલીસે વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. ગત 27 મેનાં રાત્રે ગામના કુખ્યાત બૂટલેગરો અને માથાભારે તત્વો સહિતના 25 જણનાં ટોળાએ આ હુમલો કર્યો હતો. બનાવને ગંભીરતાથી લઈ આરોપીઓને ઝડપી પાડવા ભચાઉ DySP કે.જી.ઝાલાના માર્ગદર્શન તળે ભચાઉ પોલીસ અને એલસીબીની અલગ અલગ ટૂકડીઓ બનાવાઈ હતી.

પોલીસે આજે જે પાંચ આરોપી પકડ્યાં છે તેમાં યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.27, જૂની મોટી ચીરઈ), યોગરાજસિંહ કનુભા જાડેજા (ઉ.વ.30, જૂની મોટી ચીરઈ), રામદેવસિંહ ઊર્ફે ડકુ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.27, નવી મોટી ચીરઈ), શિવભદ્રસિંહ ઊર્ફે લાલો સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.29, નવી મોટી ચીરઈ) અને યશપાલસિંહ રઘુવીરસિંહ જાડેજા (ઉ.વ.23, નવી મોટી ચીરઈ)નો સમાવેશ થાય છે. જે પૈકી યુવરાજ અને ડકુ બેઉ પૂર્વ કચ્છના નામીચા લિસ્ટેડ બૂટલેગર છે. હુમલા અંગે સત્તર લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાંથી અત્યારસુધી સાત જણાં ઝડપાઈ ગયાં છે. હુમલા બાદ તમામ આરોપીઓ પોલીસ ધરપકડ ટાળવા નાસતાં ફરતાં હતા. યુવરાજને બાતમીના આધારે અમદાવાદથી ઉઠાવી લેવાયો હતો.

(10:32 pm IST)