Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જોડીયાની જશાપર સરકારી શાળામાં ગામના તમામ બાળકોએ હર્ષભેર પ્રવેશ મેળવ્યો

ખાનગી શાળામાં પ્રવેશના વાયરા વચ્ચે ખારા રણમાં મીઠી વિરડી : ગ્રામજનોએ શાળામાં કોમ્પ્યુટર લેબ, વોટરકુલર ફેનની ભેટ આપી

લતીપર, તા.૧: આજે શિક્ષણ જયારે સંપૂર્ણપણે વ્યાપાર બની ગયું છે, ઋષિઓ દ્વારા જ્ઞાન પ્રદાન દ્વારા સમાજ ઉત્થાન ની જે પરંપરા હતી તે સાવ વિસરાઈ ગઈ છે અને એમાય સરકારી શાળાઓની આબરૂ જયારે ચોમેર પણે ધોવાઈ ગઈ છે ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનાં જશાપર ગામની સરકારી પ્રાથમિક શાળા કાઇક અલગ જ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

સરકારી શાળાઓમાં ઊંચા પગારો લઈને પણ ભણાવવાનું ભૂલીને શિક્ષકો જયારે પોતાની ફરજ પ્રત્યે બિલકુલ બેદરકાર થઈ રહ્યા છે ત્યારે વાલીઓમાં હવે પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવવામાં રસ નથી રહ્યો અને પેટે પાટા બાંધીને પણ ઊંચી ફી ચૂકવીને પોતાના બાળકોને પ્રાઈવેટ શાળાઓમાં ભણાવવાનું ચલણ થઈ રહ્યું છે. સરકારની શિક્ષણ ના વ્યાપારિકરણની નીતિએ સરકારી શાળાઓની ઘોર ખોદી નાખી છે અને પ્રજાના અબજો રૂપિયાનો ધુમાડો સરકારી શિક્ષણ પાછળ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પરિણામ શૂન્ય. આવા સ્વાર્થી કલી કાળમાં જશાપર ગામની સરકારી પ્રાથમિક શાળાએ કાઈક જુદું જ ઉદાહરણ પૂરું પાડીને પોતાનું સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ત્રણ ચૂકવવાનો નિર્ધાર કરી લીધો છે અને તે રાહ ઉપર ડગ પણ માંડી દીધા છે. જશાપરની સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ,જાગૃત નાગરિકો અને ખાસ કરીને ખંતીલા શિક્ષકોની આવી ઉમદા શૈક્ષણિક પ્રવૃતિથી આકર્ષાઈને આજુબાજુના ગામડાઓના વાલીઓને પણ પોતાના બાળકોને આ શાળામાં દાખલ કરવાનો મોહ થયો અને તેઓએ આ અંગે શિક્ષકો અને અગ્રણીઓને વિનંતી કરતાં અન્ય ગામના બાળકોને પોતાની શાળામાં પ્રવેશ આપ્યો. શિક્ષકોની આવી ઉમદા કામગીરી અને સમગ્ર સ્ટાફની જહેમતથી પ્રભાવિત થઈને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ઉજવણીમાં હાજર રહીને ગ્રામજનોએ રૂ.૧,૨૨,૦૦૦/-ની કોમ્પ્યુટર લેબનું દાન કર્યું અને શાળાની અન્ય જરૂરિયાતો જેવી કે પ્રોજેકટર, વોટરકુલર, વોલ ફેન જેવી અનેક ઉપયોગી ચીજો દાન રૂપે મળેલ છે. આમ શાળા પરિવારની ઉમદા શૈક્ષણિક કામગીરીની નોંધ લેવી ઘટે છે, અને અન્ય સરકારી શાળાઓએ પણ આમાંથી બોધપાઠ લેવો ઘટે.

(1:21 pm IST)