Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

આણંદના બે ભેજાબાજોએ સુરેન્દ્રનગર જિલ્લાના ૩૨ ખેડૂતોને ૪૦ લાખનો ચૂનો ચોપડ્યો

વઢવાણ,તા.૧: કોરાના વાયરસ મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલતુ હતુ. તેમજ નજીકના દિવસોમાં ચોમાસુ બેસતુ હોય અને કોરોના બીમારીના કારણે ભવિષ્યમાં કપાસનું બજાર શુ હોય તે કાંઇ નક્કી કહેવાય નહી તેવા વિચારો સાથે તા. ૨૯-૫-૨૦૨૦ થી ૪-૬-૨૦૨૦ દરમિયાન બલદાણા ૯ અને ગોમટા ગામના ૨૩ સહિત કુલ ૩૨ ખેડૂતોએ પોતાનો કપાસ અને અંરેડાનું વેચાણ કર્યુ હતુ. પરંતુ આ ખેડૂતો સાથે છેતરપીંડી થયાનું બહાર આવતા ખેડૂતો પર આભ તૂટી પડયુ હતુ. આ બનાવ અંગે બલદાણા ગામના ઇશ્વરભાઇ રામજીભાઈ કાનાણીએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં જણાવાયા મુજબ આણંદ જિલ્લાના ગોહીલપુરા નાપડવાંટો ગામના સીંકદરભાઈ રાઠોડ અને ફિરોજભાઈ રાઠોડે ઇશ્વરભાઈ કાનાણીના ૪૦૨ મણ અને ૧૩ કિલો કપાસની રૂ. ૨,૮૬,૩૫૦માં ખરીદી કરી હતી.આ ઉપરાંત બલદાણા ગામના રમણીકભાઈ માવજીભાઈ પટેલ, જયસુખભાઈ લક્ષમણભાઇ પટેલ, મહાદેવભાઈ ખીમજીભાઈ પટેલ, મૌલીકભાઈ શીવાભાઈ પટેલ, ઘનશ્યામભાઈ હરજીભાઇ પટેલ, નરોતમભાઈ વિઠલભાઈ પટેલ તેમજ ઇશ્વરભાઈ જશરાજભાઈ પટેલ સહિત ૯ ખેડૂતો સાથે કપાસની ખરીદી કરીને કુલ રૂ. ૧૯,૪૩,૪૩૮દ્ગક રકમ તેમજ ગોમટા ગામના ૨૩ ખેડૂતોનો કપાસ અને એરંડાની ખરીદી કરી કુલ રૂ. ૨૧,૩૬,૭૧૮ સહિત કુલ ૪૦,૮૦,૧૫૩ રૂપિયાની ચૂકવણી નહી કરી ખેડૂતો સાથે વિશ્વાસદ્યાત છેતરપીંડીની કરી હતી. આ બનાવમાં આણંદ જિલ્લાના ગોહીલપુરા નાપડવાંટો ગામના સીંકદરભાઈ રાઠોડ અને ફિરોજભાઈ રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.બી.સોલંકી ચલાવી રહ્યાં છે.

બંને શખ્સો પર ખેડૂતોને કેમ ભરોસો બેઠો

આ બંને શખ્સોએ ગામના અમુક માણસોને એ જ દિવસે તેમજ અમુકને બીજા દવિસે આ ખરીદી કરેલ કપાસના રોકડા રૂપિયા આપી દેતા હોય અને બંને શખ્સો છેલ્લા પાંચેક વર્ષથી આ ગામમાં આવી ખેતીની ઉપજની ખરીદી કરતા હતા. આથી આ ખેડૂતોને તેમના પર ભરોસો બેઠો અને પોતાની નિપજ વેચી હતી.

દલાલ ઉઠી ગયેલ છે, એક-બે દિવસમાં રૂપિયા આપીશુ..

તા. ૪-૬-૨૦૨૦ પછી આ બંને શખ્સો માલ ભરવા કે રોકડ ચૂકવવા નહીં આવતા ખેડૂતોએ બંને શખ્સોના મોબાઇલ નંબરો પર સંપર્ક કર્યો હતો. જેમાં ત્રણ ચાર દિવસ સુધી આ બંને શખ્સોએ અમને મારો કડીવાળો દલાલ ઉઠી ગયેલ છે એક બે દિવસમાં તમને બધાને રૂપીયા આપી જઇશુ તેવી વાતો કરી પછી કોઇ જવાબ આવ્યો નહી.

છેતરપીંડીનો ભોગ બનનાર ખેડૂતોના જાણવા મળ્યુ કે, આ બંને શખ્સો પાંચેક વર્ષ અગાઉ લખતર તાલુકાના કળમમાં રહીને વેપાર કરતા હતા.આથી ખેડૂતો કળમમાં જઇને તપાસ કરતા આ બંને નાપડવાંટો,ગોહીલપુરા આણંદ જિલ્લા બાજુના હોવાનું બહાર આવ્યુ હતુ.

ત્યારે ખાસ આ અંગે વઢવાણ પોલીસમાં પણ ખેડૂતો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આવા તત્વોને પકડી લેવા વઢવાણ પોલીસ ઉપરાંત અનેક જિલ્લાઓની પોલીસ કામે લાગી છે.

(1:16 pm IST)