Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મોરબીના ખાનપરમાં પિસ્તોલ અને દારૂની ૧૯૦ બોટલ સાથે યશપાલસિંહ જાડેજાની ધરપકડ

મોરબી એલ.સી.બી.નો દરોડોઃ પિસ્તોલ, ચાર જીવતા કાર્ટીસ અને દારૂનો જથ્થો કબ્જે

મોરબી તા. ૧: મોરબી તાલુકાના ખાનપુર ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી મોરબી એલસીબી ટીમે ઇંગ્લીશ દારૂની ૧૯૦ બોટલ અને એક દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પુઇ. આઇ. વી. બી. જાડેજાની સુચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના સહદેવસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં બાદનપર ગામના સીમાડે આરોપી યશપાલસિંહ ધનુભા જાડેજા રહે.-ખાનપર વાળો પોતાના કબ્જા વાળી વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ હોય અને તેની સાથે હથિયાર હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી આરોપી યશપાલસિંહ ધનુભા જાડેજાને વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૯૦ કિંમત રૂ. ૯૭,૯પ૦, દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ. ૧૦,૦૦૦ અને જીવતા કાર્ટીસ નંગ-૪ કિંમત રૂ. ૪૦૦ એમ કુલ મુદામાલ કીંમત રૂ. ૧,૦૮,૩પ૦ સાથે ઝડપી પાડયો હતો જયારે આરોપી નરેશભાઇ નાઇની પણ સંડોવણી જણાતા મોરબી એલસીબી ટીમે તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી.આઇ. વી. બી. જાડેજા, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ પટેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડા સહિતના સ્ટાફે કરેલ છે.

(1:13 pm IST)