Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કેશોદમાં હોટલ માલિક પાસે ફોટાના બદલામાં મહિલાએ પૈસા માંગ્યા

મહિલા સાથેના શખ્સે લાફા મારતા બંને સામે ફરિયાદ

જૂનાગઢ તા. ૧ :.. કેશોદમાં હોટલ માલિક પાસે ફોટાના બદલામાં એક મહિલાઓ પૈસા માંગ્યા હોવાની અને એક શખ્સે લાફા માર્યા હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

કેશોદ ખાતે રહેતા કેશોદમાં માંગરોળ રોડ પર હોટલ ધરાવતા નરસિંહભાઇ ટપુભાઇ ભાદરેકા કોળી  (ઉ.પપ) એ કેશોદની રંજનાબેન માંડલીયા અને રાજુ પંડયા નામનાં શખ્સ  સામે પોલીસ ફરીયાદ કરી છે.

જેમાં પ્રૌઢ હોટલ માલિકે જણાવેલ કે, તેમની હોટલમાં રંજનબેન નોકરી કરતા હતાં. અને તેમનો ઘરે આવવા-જવાનો સંબંધ હતો.

પરંતુ નોકરી છોડી દેતા તેમને પગારના પૈસા આપી દીધા હતાં. અને બાદમાં પણ મહિલાના ઘરે આવવા-જવાના સંબંધ હતાં.

પરંતુ ધીરે ધીરે મહિલાના ઘરે જવાનું નરસિંહ ભાઇએ બંધ કરી દીધુ હતું પણ રંજનબેન ફોન કરી તેના ઘરે આવવાનું કહેતા અને પૈસાની માંગણી કરતા હતાં.

પરંતુ ગત તા. ર૬ નાં રોજ મહિલાને  નરસિંહભાઇએ ફોન કરી મહિલા પાસે રહેલા બંનેના ફોટા પરત કરવા જણાવતા  તેણીએ ઘરે આવીને લઇ જવા કહયું હતું.

આથી તા. ર૬ જુનના રોજ રાત્રે ૧૦ વાગ્યે નરસિંહભાઇ રંજનબેનના ઘરે ફોટા લેવા ગયા હતાં. ત્યારે આ મહિલા પહેલા પૈસા આપો બાદમાં ફોટા આપીશ તેમ જણાવી ફોટા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ સમયે મહિલાના ઘરે હાજર રાજુ પંડયા નામનાં શખ્સે ઉશ્કેરાઇ જઇને નરસિંહભાઇને ત્રણ લાફા ઝીંકી દીધા હતાં. મહિલાએ પણ લાફા મારી જે કરવુ હોય તે કરી લેવાનું કહયું હતું.

આ અંગેની ફરીયાદ લઇ પોલીસે રંજનબેન અને રાજુભાઇ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એએસઆઇ બી. એન. ગરચર ચલાવી રહ્યા છે.

(1:06 pm IST)