Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મોરબીમાં અમદાવાદથી આવેલા ૨ વ્યકિતને કોરોના

યદુનંદન સોસાયટીમાં યુવક અને મહેન્દ્રપરામાં વૃધ્ધનો રિપોર્ટ પોઝીટીવ : કુલ કેસ ૨૯

મોરબી તા. ૧ : શહેર અને જીલ્લાની અંદર કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દરમિયાન આજરોજ મોરબી શહેરના યદુનંદન સોસાયટી વિસ્તાર અને મહેન્દ્રપરા વિસ્તારની અંદર કોરોના પોઝિટિવ કેસ નોંધાતા મોરબી જિલ્લાની અંદર કુલ મળીને કોરોના પોઝિટિવના ૨૯ કેસ થયા છે અને હજુ પણ મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર કોરોના પોઝિટિવ ના કેસની સંખ્યામાં વધારો થાય તેવી પુરેપુરી શકયતા આરોગ્ય વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

મોરબી શહેરમાં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે ગઈકાલે મોરબી શહેરના જુદાજુદા ત્રણ વિસ્તારની અંદર એકી સાથે ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા જેથી કરીને આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર દોડતું થઇ ગયુ હતુ દરમિયાન આજરોજ વહેલી સવારે ગઇકાલે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેના રિપોર્ટ આવતા મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ યદુનંદન સોસાયટીની અંદર રહેતા ૪૪ વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને આ યુવાન છેલ્લા દિવસોમાં અમદાવાદ ગયા હોવાથી ટ્રાવેલ્સ હિસ્ટ્રી હાલમાં આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળેલ છે અને જે યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે તે મોરબીની જાણીતી હોટલના માલિક નો દીકરો હોવાનું પણ અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળે છે.

વધુમાં મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારની અંદર શેરી -૩માં રહેતા વૃદ્ઘને ઓપરેશન કરવાનું હોવાથી તેઓ અમદાવાદ હોસ્પિટલ ખાતે ગયા હતા ત્યારે રાબેતા મુજબ જે રીતે કોઈપણ દર્દી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે ત્યારે પહેલા તેનું કોરોના ચેકિંગ માટે થઈને સેમ્પલ લેવામાં આવે છે તે રીતે આ વૃધ્ધનું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેના રિપોર્ટમાં વૃદ્ઘને કોરોના પોઝિટિવ આવ્યો છે જેથી કરીને તેને અમદાવાદ ખાતે રાખીને હાલમાં તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જોકે મહેન્દ્રપરાની અંદર જયાં તે રહેતા હતા ત્યાં કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવા સહિતની કામગીરી કરવા માટે હાલમાં મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ટીમ પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.

(1:07 pm IST)