Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જામગઢકામાં ૨ ઈંચઃ ચોટીલા પંથકમાં વિજળી પડતા ૬ પશુના મોત

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી મિશ્ર વાતાવરણ સાથે ધૂપ-છાંવનો માહોલ

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પંથકમાં વરસાદે તારાજી સર્જી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)(૬.૧૨)

રાજકોટ, તા. ૧ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે મેઘાવી માહોલ સાથે ૩ ઇંચ જેટલો વરસાદ પડયા બાદ આજે સવારથી મિશ્ર વાતાવરણ સાથે વરસાદે વિરામ લીધો છે. અને ધુપ-છાંવ વાળુ વાતાવરણ અનુભવાય રહ્યું છે.

જામકલ્યાપુર પાસેના નાના એવા જામગઢકા ગામે પણ ગઇકાલે બપોરે હવામાન ફર્યા બાદ વિજળીના કડાકા-ભડાકા સાથે થોડીવારમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો અને અગાઉના વરસાદના લીધે ફરી ચારે કોર ગામમાં પાણી-પાણી થઇ ગયું હતું.

ભાવનગર

ભાવનગર : ભાવનગર જિલ્લામાં અર્ધાથી પોણા બે ઇંચ જેટલો  વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં એક મકાન પડયું છે જયારે જીલ્લામાં હાડય ગામે વિજળી પડતા ભેંસનું મોત અને વાળુકડ ગામે મંદિર ઉપર વિજળી પડી હતી.

સાણથલી

સાંણથલી : જસદણના સાણથલી ગામએ આજ સવારથી જ વાદળછાયું અને વરસાદી વાતાવરણ વચ્ચે ૧૧ વાગ્યે ધોધમાર વીજળી અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો માત્ર ૨૦ મિનિટમાં એક જેટલો વરસાદ પડી ગયો હતો વરસાદી વાતાવરણ હોવાથી હજુ પણ વધુ વરસાદ આવવાની શકયતા છે ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા વોકળામાં પાણીની ભારે આવક થઇ હતી ગામના ભંગના તળાવમાં પાણી આવતા ભરાઈ ગયું છે આ ઉપરાંત આજુબાજુના જુના પીપળીયા પ્રતાપપુર ડોડીયાળા વેરાવળ સાણથલી વગેરે ગામોમાં પણ ભારે વરસાદ હોવાના સમાચાર છે સાણથલીમાં આજે ૪૦ મી.મી. વરસાદ નોંધાયો છે સાણથલી ગામ ના આટકોટ રોડ ઉપર આવેલા પેટ્રોલ પમ્પ સામેના વિસ્તારમાં ગભરૂભાઈ પાનસુરીયાના મકાનની બાજુના ખેતર પાસે વીજળી પડી હોવાનું જાણવા મળ્યું છે ગભરૂભાઈ ના મકાનમાં રહેતા ત્રણ મકાન સીલિંગ ફેન લાઈટ ન હોવા છતાં બળી ગયા હતા.

જામનગર

જામનગર : જામનગર જિલ્લામાં ઝાપટાથી ૩ ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં કાલાવડમાં ૩ ઇંચ, ધ્રોલ-ર, જામનગર-૧, જોડીયા પોણો ઇંચ તથા લાલપુર જામજોધપુરમાં ઝાપટા વરસ્યા હતા.

વઢવાણ

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે તારાજી સર્જાવા પામી છે ચોટીલા પંથકમાં ધોધમાર વરસાદ ઠાંગા વિસ્તારમાં અવિરત વરસતા વરસાદ થી પીપળીયા ધાધલ ગામે નદીમાં પુર આવીયું હતું.અને શરૂઆતના પેલાં વરસાદે જ તંત્ર ની પોળ છતી થવા પામી છે.છેલ્લા દ્યણા વર્ષોથી વરસાદ થી તૂટેલાં નાળાં નાઙ્ગ કારણે પીપળીયા થી ચોટીલા તરફ જવાનો રસ્તો થયો બંધ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા..

ત્યારે આ નાળુ બનાવવા છેલ્લા પાચ વર્ષ થી તંત્રમાં રજુઆત પણ પરિણામ નહી મળતા લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તરફ વરસાદના પગલે વરસાદ દરમિયાન વીજળી પડતા ચોટીલા ના અલગ અલગ છ જેટલા પશુઓના મોત નિપજયા છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ના ખેરાણા ગામના ખેડુત વલ્લભભાઈ નારાયણભાઇ ગાબુ ની પોતાની વાડીએ બાંધેલી બે ભેંસો ઉપર વીજળી પડતાં બંને ભેંસના મોત નિપજયા છે.

ત્યારે બીજી તરફ જાનીવડલા ગામ ના કાના ભાઈ દેવાભાઈ ખાંભલા ની બે ભેંસો ઉપર વરસાદ દરમિયાન વીજળી પડતાં ઘટનાસ્થળે જ બંને ભેંસોના મોત નિપજયા છે ત્યારે તાત્કાલિક તલાટીને આદેશ આપવામાં આવ્યા હતા કે ઘટના સ્થળે જઇ આ બાબતનો પંચનામું કરી અને રિપોર્ટ ઉપર સુધી પહોંચાડવામાં આવે ત્યારે એક સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના આજુબાજુ ગામમાં વરસાદના પગલે વીજળી પડતાં છ જેટલા પશુઓના મોત નિપજયા છે.

(11:38 am IST)