Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

આજથી બાળાઓનાં પાંચ દિવસીય મોળાકત વ્રતનો પ્રારંભ

નાની બાળાઓ પાંચ દિવસ સુધી મીઠા વગરનું ભોજન લેશેઃ ઘઉંના જવારાનુ પૂજન-અર્ચન-આરાધના કરશે

મોળાકત વ્રતના પ્રારંભે જુદી-જુદી જગ્યાએ જવારાનુ વિતરણ કરાયુ હતું.

રાજકોટ તા. ૧ :.. આજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બાળાઓ દ્વારા પાંચ દિવસીય મોળાકત વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અષાઢ સુદ અગિયારને તા. ૧ જુલાઇને બુધવારથી દેવપોઢી એકાદશી છે. સાથે ચાતુર્માસનો પણ પ્રારંભ થઇ રહ્યો છે. અને મોળાવ્રતનો પણ આજથી પ્રારંભ થશે. દેવપોઢી એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં શાંતિ મળે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની આરાધના  કરી પ્રસન્ન કરવાનો અવસર માનવામાં આવે છે. શહેરના મંદિરોમાં આજથી બાળાઓ વહેલી સવારથી જવારા અને ભગવાનની પૂજા-અર્ચના કરશે.

શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, અષાઢ સુદ અગિયારસના દિવસ તા. ૧ જુલાઇને  બુધવારથી બાળાઓના મોળાવ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રત ગૌરીવ્રત, મોળાકત અને મોળાવ્રત એમ ત્રણ નામથી ઓળખાય છે. અષાઢ સુદ અગિયારસથી ગુરૂપૂર્ણિમાના દિવસ સુધી આ વ્રત ચાલશે એટલે કે, તા. ૧ થી પ જુલાઇ સુધી નાની બાળાઓએ મીઠા વિનાનું ભોજન લેવાનું હોય છે. ઘઉંના જવારા વાવી નાની બાળાઓ રોજ વહેલી સવારે તેનું પૂજન અર્ચન કરશે. પાંચ દિવસ સુધી બાળાઓ સુંદર વસ્ત્રો પહેરશે. આ વ્રતથી બુધ્ધિ શકિતમાં વધારો થાય છે અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે.

આજથી ગુજરાતમાં ભારતીય નારી જીવનનું પ્રથમ લોકવ્રત  -ગોર્યો શરૂ થાય છે. ભારતીય હિન્દુ કન્યાઓનું આ વ્રત છે. આ વ્રત અષાઢ સુદ એકાદશીથી શરૂ કરવામાં આવે છે. ખેતીપ્રધાન ભારત દેશનાં ગામડાની ખેડૂત કન્યાઓ, ગોપકન્યાઓ અને ખેતીની પ્રક્રિયા પર જ નભતી અન્ય તમામ નગર - શહેરોની કન્યાઓ ખૂબ હોંશેહોંશે આ વ્રત કરે છે.  પ્રત્યેક હિન્દુ કન્યાના મનમાં ઊડે ઊડે એવી તમન્ના હોય છે કે એને સારો સંસ્કારી અને મજબૂત સ્થિર કામ ધંધા હોદા નોકરી પગારવાળો અનુકુળ વર મળે. આ ગૌરીવ્રત કરવા પાછળનું પ્રયોજન છે.

ખેતીપ્રધાન ભારત દેશમાં ગૌરીને પાક- અનાજની અધિષ્ઠાત્રી દેવી કહી છે.

આજે સૌ કન્યાઓ વહેલી ઉઠી પરવારી 'જવારા પૂજન' કરે છે. આંગણની જમીન - ખેતર-જારના સાંઠાથી ખેડીને ચોરસ કયારો બનાવી તેમાં આડા ઉભા ચાસ પાડી. તે પર ડાંગર, ચોખા પાથરી તેમાં સાંઠી -ધ્વજ મૂકી કંકૂ-ચોખાથી ભૂમિમાને પૂજે છે.

આ વ્રત દરમ્યાન કન્યાઓ મોળું જમે છે. તેથી આ વ્રત 'મોળાકત' વ્રત કહેવાય છે. માતા-પિતા મામા-ફોઇ 'કન્યાને', 'ખઉં' મોકલાવે છે. જેમાં કોપરૃંં, બદામ, કાજુ, દ્રાક્ષ, ખારેક, અંજીર ડ્રાયફુટ મોકલાવે છે. કન્યાઓ દેવમંદિરે દર્શને જાય છે.

(11:29 am IST)