Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કચ્છમાં લાગલગાટ ૮માં દિ' કોરોનાનો તરખાટઃ જેલ, આરોગ્ય કર્મી, બે આરોપી સાથે ૯ કેસ

વધતા જતાં દર્દીઓ અંગે પ્રભારી સચિવ સમીક્ષા વચ્ચે કચ્છમાં ફરી તંત્ર અટવાતા માહિતીમાં ઢીલ

ભુજ તા. ૧ : લાગલગાટ ૮ મા દિવસે ૯ દર્દીઓ સાથે કચ્છમાં એકબાજુ કોરોનાએ તરખાટ મચાવ્યો છે, બીજી બાજુ તંત્ર સકલનમાં અટવાઈ જતાં કોરોનાની માહિતી સંદર્ભે ઢીલ થઈ રહી છે. છૂટછાટો વચ્ચે કોરોનાએ ફૂંફાડો મારતા હવે જેલ કર્મી અને આરોગ્ય કર્મીને પણ કોરોના વળગતાં તેમના સંપર્કમાં આવનારાઓમાં ડર વધ્યો છે.

રાપરના બેલા ગામના ૨૯ વર્ષીય આરોગ્ય કર્મી દેવુભા હેતુભા વાઘેલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે, તેમની અસ્વસ્થ તબિયત છતાંયે ખુદ રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો. પોલે તેમને મીટીંગમાં બોલાવ્યા હતા અને અન્ય કર્મચારીઓએ તેમની સાથે હાથ મિલાવ્યા હતા. ભુજ પાલારા જેલના ૨૨ વર્ષીય કર્મી રાજવીરસિંહ પરમાર, ઉપરાંત માંડવીના તલાટી અને ગુનાસર ઝડપાયેલા આરોપી પુનશી ગઢવી ઉપરાંત અન્ય આરોપી વિરમસિંહ જાડેજા, ગાંધીધામ બીએસએફ કેમ્પસના ફાર્માસિસ્ટ વિજેન્દ્રસિંઘને કોરોના વળગતાં પોલીસ અને બીએસએફ કર્મીઓમાં ફફડાટ મચ્યો છે. અન્ય દર્દીઓમાં મેઘપર બોરીચીમાં રહેતી મહિલા રેખા ભગવંત ઉપાધ્યાય તેના પતિને કોરોના હોઈ તેનાથી સંક્રમિત થઈ કોરોના થયો છે.

ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં કિડનીના મહિલા દર્દી જીવીબેન રમેશને પણ કોરોના વળગ્યો છે. આમ, કચ્છમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૬૪ થઈ છે. દરમ્યાન વધતા જતા કેસો વચ્ચે કચ્છના પ્રભારી સચિવ એમ. થેનારસનને ગઈકાલે વીસી દ્વારા કચ્છના અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે ચર્ચા કરી હતી.

જોકે, કચ્છમાં ફરી તંત્ર સંકલનમાં અટવાઈ ગયું છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાની માહિતી આપવામાં ફરી ઢીલ વરતાઈ રહી છે. અગાઉ બે અધિકારીઓ વચ્ચે કામગીરીના મુદ્દે અંટસ ચાલતી હોવાનું ચર્ચાતું હતું.

(11:27 am IST)