Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ભુજમાં પુત્રએ જ મિત્રની મદદથી પોતાના જ ઘરમાંથી રૂ.૧૦ લાખની ઉઠાંતરી કરી

ભુજ તા.૧: સીસીટીવી અને સિકયુરિટી ગાર્ડની સુરક્ષાથી સજ્જ એવી ભુજની પોશ ગણાતી સરદાર પટેલનગર સોસાયટીમાં રહેતા નારાણ ગઢવીને ઘેર થયેલ ૧૦ લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયા બાદ પરિવાર ડઘાઇ ગયો છે.

શનિવારે બપોરે પત્નીની દવા લેવા ગયેલા નારાણ ગઢવીને ઘેર માત્ર અડધા કલાકમાં ૧૦ લાખ રૂપિયાની થયેલ ચોરીનો ભેદ  ભુજ બી ડિવિઝન પોલીસે ઉકેલી તો લીધો પણ ચોરી કરનારના નામો જ્યારે સામે આવ્યા ત્યારે પરિવારના પગ નિચેથી ધરતી ખસકી ગઇ. ચોરીના સમગ્ર બનાવને અંજામ ખુદ પરિવારના પુત્ર રવિ એ પોતાના અન્ય મિત્રની મદદથી કરી હતી.

પોલીસે રવિ નારાણ ગઢવી અને તેના મિત્ર ધર્મીન બાપટની ધરપકડ કરીને ઘરમાંથી જ ૨.૩૩ લાખની રોકડ કબ્જે કરી છે.  આ બનાવમાં રવિના અન્ય મિત્રની સંડોવણી પણ હોવાનું ખુલ્યું છે હેલ્મેટ પહેરેલા બે બાઇકસવાર યુવાનોએ સિકયુરિટી ગાર્ડને કેરી આપવા જવાનું કહીને નારાણ ગઢવીના બંગલે પહોંચ્યા બાદ બુટમાં રહેતી બંગલાની ચાવી કાઢીને બંગલો ખોલી અંદર કબાટમાં રહેલા ૧૦ લાખ રૂપિયાની ચોરી કરી હતી.

સીસીટીવીમાં બન્ને હેલ્મેટધારી શખ્સ દેખાયા બાદ પોલીસે ચાવી નું ઠેકાણુ શોધવામાં કોઇ જાનભેદુ હોવાની શંકાના આધારે પુછપરછ કરતા રવિ ગઢવીએ પોતે જ પોતાના ઘેરથી ૧૦ લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. રવિનો હાથ ખેંચમાં હોઇ પોતાના મિત્રની મદદથી ચોરી કરી હતી.

(12:07 pm IST)