Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

મોટી નોટો આપી નાની નોટમાં કમિશન મેળવવાની લાલચમાં રાજસ્થાની યુવાનો સાથે ભુજમાં ૧૦ લાખની ઠગાઈ

ભુજ, તા.૧: જયપુર રાજસ્થાનમાં દવાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન વ્યાપારીને રૂપિયા કમાવવાની લાલચ મોંઘી પડી હતી. ભુજના કુખ્યાત ઠગ હાજી અને તેના સાથીદારો લોકોની ઝડપભેર રૂપિયા કમાવવાની લાલચનો લાભ લઈને ભણેલા ગણેલા યુવાનો, સમાજના આગેવાન વ્યાપારીઓને શીશામાં ઉતારીને હસતા રમતા લાખો રૂપિયાની ઠગાઈ કરી લે છે, આવા બનાવો મીડિયામાં આવે છે, છતાંયે લોકો ઠગાયા કરે છે, પછી પોલીસ પાસે પહોંચે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. જયપુરના વ્યાપારી રાજસિંહ નરૂકાને વૃંદાવનના બે શખ્સો અજિતકુમાર અને લાલિતકુમાર ચતુર્વેદીએ મોટી નોટો સામે નાની નોટો આપીને ભુજના શખ્સ દ્વારા સામેથી ૧૨ ટકા કમિશન અપાતું હોવાની વાત કરી હતી. એટલે, ૧૦ લાખ રૂપિયા સામે ૧ લાખ ૨૦ હજાર રૂપિયા કમાવવા રાજસિંહ નરૂકા વૃંદાવનના બે શખ્સો સાથે પોતાના બે અન્ય મિત્રો દિલીપ તેમ જ અમરીકસિંઘ સાથે ભુજ આવ્યો હતો. ભુજમાં તેઓ રઝાક અને ઉસ્માન નામના બે શખ્સો સાથે હાજીસાહેબ ને મળ્યા હતા. ત્યાં તેમણે હાજીને ૧૦ લાખ રૂપિયા આપી દીધા હતા, બાદમાં તેમને રૂપિયા અહીં નહીં આપી શકાય તેવું જણાવીને રાધનપુર લઈ જવાયા હતા ત્યાંથી ફરી અજમેર જવાનું કહેવાયું હતું. પણ, તે દરમ્યાન ૧૦ લાખ રૂપિયા ગુમાવનાર યુવાનોને અક્કલ આવી હતી કે તેમને  'મામા' બનાવાઈ રહ્યા છે, એટલે તેઓ તાત્કાલિક ભુજ હાજીને ઘેર પહોંચ્યા હતા જયાં મગજમારી અને પોલુસ ફરિયાદની ધમકી આપતા હાજીએ ૪ લાખ રૂપિયા પાછા આપ્યા હતા. અંતે લાલચમાં પોતાની સાથે ૬ લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં રાજસ્થાની વ્યાપારીએ ભુજ પોલીસનું શરણું લીધું લઈને કુખ્યાત ઠગ હાજી તેમ જ તેની ચીટર ગેંગ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(11:37 am IST)