Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

વિના ટિકીટે મુસાફરી કરતો હોય, ઠપકો આપતા ઉશ્કેરાઇ જઇને ટ્રેનમાંથી ધકકો માર્યાની કબૂલાત

ભુજ-દાદર ટ્રેનના ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયોઃ ગાંધીધામના યુવાનની ધરપકડ

ભૂજ, તા.૧: ગઈકાલે ભુજ દાદર ટ્રેનના ગાર્ડ પી. ગૌતમની હત્યાનો ભેદ રેલવે પોલીસે ગણતરીના કલકોમાં ઉકેલી લીધો છે. રાત્રે ભચાઉ સ્ટેશને ઝડપાયેલા અનુજ કુશવાહા નામનો યુવાન ઝડપાયા બાદ હત્યા કરી હોવાનું કબુલાત કરી છે.

ભુજથી ગાંધીધામ પહોંચ્યા બાદ ગાંધીધામથી રાત્રે ૮ વાગ્યે ભચાઉ થઈ મુંબઈ તરફ રવાના થયેલ ટ્રેન પકડવા માટે એક પ્રવાસી દોડી રહ્યો હતો, ટ્રેન ચાલુ થઈ ગઈ હોઈ ગાર્ડ પી. ગૌતમે તે પ્રવાસીને મદદ કરવાના હેતુ થી હાથ પકડીને પોતાના ગાર્ડના ડબ્બામાં બેસાડ્યો હતો. આગળના સ્ટેશને ભચાઉથી આ પ્રવાસીને ટ્રેનના અન્ય ડબ્બામાં મોકલી આપવાના હેતુ સાથે ગાર્ડ પી. ગૌતમે તે અજાણ્યા પ્રવાસીને પોતાની સાથે બેસાડ્યો તો ખરો પણ ગાર્ડને કયાં ખબર હતી કે પોતે આગળના સ્ટેશને નહીં પહોંચી શકે અને ટ્રેનની પોતાની આ યાત્રા જિંદગીની અંતિમ યાત્રા બની જશે? એ પ્રવાસી પાસે ગાર્ડ પી.ગૌતમે ટિકિટ માંગતા ટિકિટ ન હોવાનું પ્રવાસીએ કહેતાં ગાર્ડ પી. ગૌતમે તે પ્રવાસીને ઠપકો આપતા ઉશ્કેરાયેલા યુવાને ગાર્ડ પી. ગૌતમ સાથે ઝપાઝપી કરી તેને ટ્રેનમાં થી નીચે ધક્કો મારતાં દોડતી ટ્રેનમાં થી રેલવે ટ્રેક ઉપર વેગ થી પડતાં માથામાં ઇજા થવાથી ગાર્ડ પી. ગૌતમનું મોત નીપજયું હતું.

 ગાર્ડને ચાલતી ટ્રેને ધક્કો માર્યા બાદ અનુજ કુશવાહા ડરી ગયો હતો અને ગાર્ડના ડબ્બામાં જાતે પુરાઈ ગયો હતો. દરમ્યાન ભીમાસર અને ચીરઇ રેલવે સ્ટેશને ગાર્ડ દ્વારા સિગ્નલ નહીં મળતા ટ્રેનના એન્જીન ડ્રાઇવરે ગાંધીધામ રેલવે સ્ટેશને જાણ કરી હતી. તેને પગલે રેલવે પોલીસને સાબદી કરીને ટ્રેનને ભચાઉ રેલવે સ્ટેશને રોકીને ગાર્ડના ડબ્બાની તલાશી લેવા પોલીસ પહોંચ્યો ત્યારે તેમણે ગાર્ડનો ડબ્બો અંદરથી બંધ જોતા તે ડબ્બો ખોલવા પ્રયાસ હાથ ધર્યો હતો. પણ, તે દરમ્યાન ગાર્ડના ડબ્બાની બારીમાંથી નીકળીને એક યુવાન ડબ્બા ઉપર ચડી ગયો હતો, તેને ઉતારવા જતા તેણે રેલવે પોલીસના કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચાડી હતી.

જોકે, તે સમયે ટ્રેનના પ્રવાસીઓએ તે યુવાનને ડબ્બા ઉપરથી ઉતારીને ફટકાર્યો હતો પછી રેલવે પોલીસે તેની પૂછપરછ કરીને ગાર્ડ અંગે માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યો ત્યારે ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. ગાંધીધામના લાકડાના બેનસોમાં કામ કરતા આ યુવાને પોતે ગાર્ડ પી.ગૌતમને ચાલુ ટ્રેને ધક્કો આપ્યો હોવાનું જણાવતા પોલીસે આ યુવાનની કેફીયતના આધારે તપાસ કરી ગાર્ડનો મૃતદેહ રેલવે ટ્રેક ઉપરથી શોધી કાઢ્યો હતો.

(11:27 am IST)