Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

જસદણ-વિંછીયા વિસ્તારમાં પાણી અને ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ

જીલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ અવસરભાઇ નાકિયાનો મુખ્યમંત્રીને પત્રઃ યોગ્ય નહિ થાય તો આંદોલનની ચીમકી

આટકોટ તા.૧: જસદણ-વિંછીયા તાલુકામાં અપુરતા વરસાદને લીધે પીવાના પાણી અને પશુઓને ઘાસચારાની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા રાજકોટ જીલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ અવસરભાઇ નાકિયાએ માંગ કરી છે.

મુખ્યમંત્રીને આપેલ આવેદન પત્રમાં તેમણે જણાવ્યુ છે કે પાણીની તંગીના હિસાબે ગામડામા દુર-દુર સુધી પાણી માટે ભટકવુ પડે છે અને શહેરી વિસ્તારોમાં લોકોને ખાનગી વ્યકિતઓ પાસેથી ટેન્કર મંગાવવા પડે છે ત્યારે તાત્કાલિક પાણીની સમસ્યા દુર કરવા માંગ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યુ છે કે જસદણ તાલુકાને સરકારે અર્ધ અછત ગુસ્ત જાહેર કર્યો છે છતા મળવા જોઇતા લાભો હજુ સુધી મળ્યા નથી.

વિંછીયા તાલુકાને અછત ગુસ્ત જાહેર કરવામાં આવ્યો છે આમ છતા કપાસનો વિમો ચુકવવામાં આવ્યો નથી.

જસદણ અને વિંછીયા તાલુકામાં નકલી બીયારણ અને ખાતરના વેંચાણ સામે સરકારી તંત્ર દ્વારા અસરકારક પગલા ન ભરાતા હોય ખેડુતો પાયમાલી તરફ ધકેલાતા હોય આવા વેપારી સામે કડક પગલા ભરવા પણ માંગ કરી છે.

જસદણ-વિંછીયા તાલુકામાં ફાળવવામાં આવેલ ઘાસચારો નબળી ગુણવતાનો છે તેમજ વિંછીયા તાલુકાને ફાળવવામાં આવેલ ઘાસચારામાં ભારે ઘટ હોય તે ઘાસચારો કોણ ખાય ગયુ તેની તાત્કાલીક તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા તેમજ ઘાસચારાના જથ્થામાં પણ ઘટ આવતી હોય ખેડુતો છેતરાય છે ઉપરાંત ઘાસ ફાળવવાના ડેપો પ કિ.ના અંતરે રાખવાનો નિયમ હોવા છતાં ખેડુતોને લાંબા અંતર સુધી ઘાસ લેવા જવામા વધુ ભાડા ચુકવવાની ફરજ પડતી હોય યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવવા પણ માંગ કરી છે.

અંતમાં તેમણે જણાવ્યુ છે કે જસદણ શહેરમાં આવેલ ભાદર નદીને જળ સંચય યોજનામાંથી સફાઇ કરી પાણીના સંગુહ માટે ઉંડુ ઉતારવાની જો કાર્યવાહી હાથ ઘરે તો શહેર સ્વચ્છ બને અને નબળા લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય.

આ અંગે જો યોગ્ય પગલા ભરવામાં નહી આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

(11:26 am IST)