Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જામનગરના લાખાબાવળના સેવન સિઝન રિસોર્ટમાં 'સ્પા' ચલાવાતુ હોવાનો આક્ષેપ

જીલ્લા પંચાયત પ્રમુખ મુળજીભાઇ વાઘેલાની કલેકટર અને જીલ્લા પોલીસ અધિકારીને રાવ

જામનગર, તા. ૧ : જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ મુળજીભાઇ એન. વાઘેલાએ જીલ્લા કલેકટરશ્રી અને જીલ્લા પોલીસ અધિકારીશ્રીને પત્ર પાઠવીને લાખાબાવળ ગામમાં સેવન સિઝન રિસોર્ટમાં ચાલતી પ્રવૃત્તિઓ બંધ કરાવીને પગલા લેવા માંગણી કરી છે.

મુળજીભાઇ એન. વાઘેલાએ જણાવ્યું છે કે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં એકટીવીટી ઇન્ડીયા પ્રા.લી. (સેવન સિઝન રીપોર્ટ)માં મામલતદારશ્રી (ગ્રામ્ય) દ્વારા તા. ૧૮/પ/૧૮ના રોજ રજુ થયેલ અહેવાલમાં જણાવ્યા અનુસાર આ જગ્યામાં આશરે ૭૦,૦૦૦ ફુટ જેટલી સરકારી જમીન દબાણ કરી બાંધકામો કરવામાં આવેલ છે. નાળિયેર-લોન-ઘાસ ઉગાડવામાં આવેલ છે જે ગેરકાયદેસર છે.

ઉપરોકત બાબતે જણાવવાનું કે આ રીસોર્ટમાં 'સ્પા' જેવી પ્રવૃત્તિઓ ચાલુ છે મહિલા સંચાલિત 'સ્પા' માં શું શું પ્રવૃતિઓ ચાલે છે. તેની તપાસ કરી સંચાલકો સામે કાર્યવાહી કરવા ભલામણ છે. આ રીસોર્ટમાં રાત્રે ર-૩ વાગ્યા સુધી શ્રીમંત નબિરાઓ, યુવતિઓ, પુરૂષો, મહિલાઓ, ગાડીઓમાં આવન-જાવન કરે છે. અડધી રાત્રે આ શ્રીમંત નબિરાઓ, યુવતિઓ 'સ્પા'માં શું પ્રવૃતિ કરવા અવાર-નવાર આવે છે ? જામનગર ઉપરાંત દૂર દૂરથી પણ આવા લોકો આવે છે.

લાખાબાવળના સર્વે નં. ર૮૮ વાળી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું લેખીતમાં મામલતદારશ્રીએ સ્વીકારીને પ્રત્યુત્તર પાઠવ્યો હોવાનું પ્રમુખ મુળજીભાઇ વાઘેલાએ જણાવ્યું છે.

(2:00 pm IST)