Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોએ રાસાયણિક ખાતર અગાઉ ખરીદી લેવુ

સુરેન્દ્રનગર, તા.૧: નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ખરીફ-૨૦૧૮ સીઝનમાં કેનાલનું પાણી અને પિયતના અન્ય સાદ્યનો દ્વારા પિયતની પુરતી વ્યવસ્થા ના હોઈ કપાસ, બાજરી અને અન્ય ખરીફ પાકોનું વાવેતર મોડુ થનાર છે. આ પરિસ્થિતિમાં વરસાદ થતા એક સાથે ખાતર અને બિયારણની ખેડૂતો દ્વારા માંગ ઉપસ્થિત થાય તેમ હોઈ ટુંક સમય માટે કૃત્રિમ અછત ખાતરના ઓછા સપ્લાય (વિતરણ)ને કારણે થવાની શકયતા રહેલ છે.

હાલની પરિસ્થિતિએ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ-અલગ કંપની દ્વારા પુરૂ પાડવામાં આવેલ છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોને ખાસ જણાવાયું છે કે, તેમને ખરીફ-૨૦૧૮ સીઝન માટે પાકની જરૂરિયાત મુજબ તેમજ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબનો રાસાયણિક ખાતરનો જથથો અત્યારથી લઈ રાખે જેથી આગામી સીઝનમાં રાસાયણિક ખાતરની અછત ઉભી ન થાય અને જરૂરિયાત મંદ ખેડૂતોને પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહે તે બાબતે દરેક સંબંધકર્તાઓને અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:54 am IST)