Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ભાણવડમાં આડેધડ વીજકાપથી લોકો કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ

ભાણવડ તા.૧: પ્રી-મોન્સુન કામગીરી માટે અઠવાડીયામાં એક દિવસ લાઇટ કાપનોવર્ષોનો નિયમ રહ્યો છે. અગાઉ આ લાઇટકાપનો દિવસ શુક્રવાર નિર્ધારીત હતો પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષમાં વિજ કંપનીનું કોઇ ધારાધોરણ જ નથી રહ્યું અને ગમે તે દિવસે તેમજ અઠવાડીયામાં એકથી વધુ દિવસ પણ લાઇટ કાપ મુકી દેવામાં આવે છે.

ઉપરાંત નાના મોટા ફોલ્ટ સર્જાતા હોઇ ગમે ત્યારે વિજપુરવઠો ખોરવાઇ જવાનું પણ નકકી જ હોય. પરંતુ બુધવારે તો વિજકંપનીએ રીતસરનો  રણજીતપરાના લોકો પર અત્યાચાર જ કરી મુકયો હતો. બુધવાર બપોરે ૪ વાગ્યે સૌ પ્રથમ વખત લાઇટ ગુલ થઇ જે લગભગ એકાદ કલાકે માંડ શરૂ થઇ પણ જેવી શરૂ થઇ એવી જ લાઇટે ઉપરા છાપરી ત્રણથી ચાર વખત આવ-જા કરી. થોડી વાર સ્થિર રહ્યા બાદ ફરી પાછું લાઇટનું આવ-જા શરૂ થઇ ગયું રાત્રે આઠ વાગ્યે જે લાઇટ ગુલ થઇ તે છેક રાત્રીના દસ વાગ્યે આવી પરંતુ દશ મીનીટે જ પાછી જતી રહી.

આશરે સાડા દસે લાઇટ આવી જે અગીયાર વાગ્યા સુધી સ્થિર રહ્યા બાદ ફરી અડધો કલાક ગુલ !! આશરે સાડા અગીયારથી સવા બાર સુધી લાઇટ રહેતા માંડ લોકોએ ચેનની રાહત લીધી હશે ત્યાં ફરી મધ્યરાત્રીના સવા બાર વાગ્યાથી લાઇટ ગુલ થઇ તે છેક આશરે રાત્રીના દોઢ વાગ્યે પુર્વવત થઇ તેવી ફરિયાદો ઉઠી છે.

(11:53 am IST)