Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સાસણ જંગલમાં સિંહ સહિતના વન્‍ય પ્રાણીઓનો સંવનનકાળ માટેનો સમય હોવાથી ૧પમીથી ૪ મ‌હિનાનું વેકેશનઃ માત્ર દેવળીયા પાર્ક ખુલ્લુ રહેશે

ગીર-સોમનાથઃ ચોમાસાની સીઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન ૧૫ દિવસ બાદ પડી જશે, ચાર માસના વેકેશન દરમ્યાન જીપ્સીઓનો તમામ રૃટ બંધ થશે જો કે પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે. ૧૫ જુનથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન પડવાનું છે.

આ વેકેશન ૧ ઓકટોમ્બરે પુરૃ થશે. કારણ કે ચોમાસાની સિઝન સિંહો, દિપડા, હરણ, સાબર, ચીંકારા સહીતનાં મોટા ભાગના વન્યજીવો માટે સંવનન કાળ હોય છે. તેથી ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન અને સફારી માટે લઈ જતી જીપ્સીના તમામ રૃટો બંધ રાખવામાં આવે છે. વળી ચોમાસાની સીઝન દરમ્યાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જતુ હોવાથી વાહનો લઈને અવર જવર શકય નથી.

પ્રવાસીઓને સિંહદર્શન માટે સાસણમાં માત્ર દેવળીયા પાર્ક જ ખુલ્લુ રાખવામાં આવે છે. અને તે પણ વરસાદ ન હોય તો જ ભારેવરસાદ હોય તો દેવળીયા સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે. વેકેશનના છેલ્લા પંદર દિવસ બાકી હોવાથી સાસણમાં પ્રવાસીઓની ભીડ રહે છે. પંદર દિવસ બાદ સાસણની બજારો પણ સુમસામ થઈ જશે.

(6:10 pm IST)