Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

જસદણમાં પત્નીના નામે બેંક એકાઉન્ટ ખોલાવી પતિ અને તેના ભાગીદારોએ બોગસ વહીવટ કરતા ફરિયાદ

પતિએ ઓઇલમીલનો વહીવટ ચલાવવા ચેકમાં પત્નિના નામની બોગસ સહિઓ કરી : રાજકોટ માવતર સાથે રહેલા નિશાબેન પોપટની ફરિયાદ પરથી જસદણના પતિ ગોપાલ પોપટ, દીયર હર્ષ પોપટ તથા દામોદર ઓઇલમીલના ભાગીદારો સામે ગુનો

રાજકોટ,તા. ૧ : જસદણમાં ઓઇલ મીલનો વહીવટ ચલાવવા માટે પતિ દીયર અને મીલના ભાગીદારોએ પત્નીના નામનું બેંક એકાઉન્ટ ખોલાવી ચેકોમાં બોગસ સહિઓ કરી બોગસ વહીવટ કરી છેતરપીંડી આચરતા મહિલાએ જસદણ પોલીસમાં ફરિયાદ કરી છે.

મળતી વિગત મુજબ જસદણ સ્ટેશન રોડ પર શ્રી હરિ સોસાયટીમાં સાસરીયુ ધરાવતા અને હાલ રાજકોટ જલ્યાણ -૫ રાજનપાર્કમાં માવતર સાથે રહેતા નીશાબેન ગોપાલભાઇ પોપટ (ઉવ.૪૧) એ જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જસદણ રહેતા પતિ ગોપાલ હરીશભાઇ પોપટ, દીયર હર્ષ પોપટ, તથા શ્રી દામોદર ઓઇલ મીલના પાર્ટનરોના નામ આપ્યા છે. નીશાબેને  ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના વીસેક વર્ષ પહેલા જસદણના ગોપાલ પોપટ સાથે લગ્ન થયા હતા. પતિ શ્રી દામોદર ઓઇલ મીલ ચલાવતા હતા. તે સમયગાળા દરમ્યાન પોતાનું કોઇ બેંક એકાઉન્ડ જસદણમાં કોઇ જગ્યાએ હતુ નહી અને ૨૦૦૮માં પોતે પતિ સાથે અમદાવાદમાં રહેવા માટે જતા રહેલ અને પતિએ અમદાવાદમાં તેલોનો ડેપો ખોલેલ હોય જે જસદણ ખાતેની પતિની ઓઇલ મીલમાં જે તેલ તૈયાર  થાય તે તેલનું અમદાવાદ ખાતે રીટેઇલમાં વેચાણ કરતા હતા અને વર્ષ ૨૦૧૧માં દીયર હર્ષ પોપટે બેંક ઓફ બરોડામાં ખાતુ ખોલાવવા માટે એક ફોર્મ જસદણથી ટપાલ મારફતે મોકલેલ અને આ બાબતે પતિએ મને કહેલ કે મારા ભાઇ હર્ષ તારા નામનું જસદણ બેંક ઓફ બરોડામાં સેવીંગ એકાઉન્ડ ખોલાવવા માટે આ ફોર્મ મોકલેલ છે અને તારી સહિત કરી નાખ જેથી  પોતે સહી કરી હતી બાદ ફોર્મ જસદણ મોકલ્યુ હતું. ત્યારબાદ પોતાના એકાઉન્ટની પાસબુક કે ચેકબુક પોતાને આપેલ નહીં કે મોકલી પણ ન હતી. બાદ પતિ, સાસુ, સસરા અવારનવાર શારીરીક, માનસીક ત્રાસ આપતા પોતે રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. અને ત્યારથી પોતે તેના બંને બાળકો સાથે રાજકોટ માવતર સાથે રહે છે. બાદ આજથી પાંચેક મહિના પહેલા પિતા એસ. બી. આઇ. બેંકે ગયા ત્યારે ત્યાં બેંક મેનેજરને વાત કરેલ કે મારી દીકરી અમદાવાદથી આવેલ છે તેનું ખાતુ ખોલવવુ હોય તો ખુલી જશે ? ત્યારે બેંક મેનેજરે કહેલ કે તમારી દીકરીના નામનું બીજુ કોઇ ખાતુ હોય તો જરૂર નથી તેમ કહેતા પિતાએ પોતાને આ બાબતે વાત કરતા પોતાના નામનું પતિએ બેંક ઓફ બરોડામાં ખાતુ ખોલાવેલ છે. તેમ વાત કરતા પિતાએ બેંકમાં તપાસ કરતા સેવીંગ એકાઉન્ટ હાલમાં બંધ હોવાનું જાણવા મળ્યુ હતું. અને તેમાં પોતાના એકાઉન્ટન સ્ટેટમેન્ટ કઢાવેલ હતાં. જેમાં પોતાના એકાઉન્ટમાં આશરે વીસ લાખના વહીવટ થયેલ હોઇ અને દશેક વર્ષથી ખોટા આઇ. ટી. રીર્ટન પણ પોતાના નામના ભરાય છે. જે દીયર હર્ષ પોપટ ભરે છે. અને પોતાના એકાઉન્ટનાં કુલ ૧૦ ચેકમાં પોતાના નામની બોગસ સહીઓ કરી અને વહીવટો કરેલ અને આર. ટી. જી. એસ. પણ કરેલ તે શ્રી દામોદર ઓઇલ મીલના પાર્ટનરો કે પોતાના પતિ તથા દીયરે પોતાની સહીઓ કરી હોવાનું જાણવા મળતા પોતે જસદણ પોલીસ મથકમાં અરજી કરી હતી. આ મામલે પોતે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.આઇ. કે. જે. રાણાએ તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)