Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ગ્રામીણ ક્ષેત્રે સઘન આરોગ્ય તપાસ અને આઇસોલેશનની વ્યવસ્થાઓ મજબૂત કરવા તાકીદ કરતા મંત્રી

જામનગર જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ : કોરોના સંકટમાંથી સમાજને હેમખેમ ઉગારવા સમાજનો પણ વિવિધ ક્ષેત્રે સહયોગ મળી રહે તેવી અપેક્ષા વ્યકત કરતા રાજ્યમંત્રી જાડેજા

જામનગર તા. ૧ : મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જામનગર જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સમીક્ષા બેઠકો યોજાઇ હતી.જે બેઠકમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા અને શહેર તથા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સંવાદ કરી જામનગર જિલ્લામાં કોવિડની સ્થિતિને નિયંત્રિત કરવા અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

બેઠકમાં મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે હાલ આપણે સૌ કોવિડની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે સંવાદ થકી સામે આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ આજના સમયની માંગ છે.કઈ રીતે આ કપરા સમયમાં ઓછામાં ઓછી માનવ ખુવારી થાય અને વધુમાં વધુ લોકોને શ્રેષ્ઠતમ સેવા મળી રહે તે દિશામાં સૌએ કામગીરી હાથ ધરવા મંત્રીએ સૂચન કર્યું હતું.અને સમાજના સૂચનો અને લોકોની જરૂરિયાતને ધ્યાને લઈ સત્વરે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું. તેમજ જિલ્લાના ગ્રામીણ તથા નગરપાલિકા વિસ્તારોમાં આરોગ્ય સેવા સુદ્રઢ બને તેમજ આરોગ્ય વિભાગની ટીમો ગ્રામીણ ક્ષેત્રે ઘરે ઘરે જઈ લોકોની આરોગ્ય તપાસ કરે અને પોઝિટિવ દર્દીઓને તાત્કાલિક અસરથી અલગ તારવી તેમને આઇસોલેટ કરે તે અંગે તાકીદ કરી હતી.હાલના તબક્કે લોક જાગૃતિ તથા લોક ભાગીદારી ખૂબ મહત્વની છે.આ કામગીરીમાં જો લોક ભાગીદારી ભળસે તો ધાર્યું પરિણામ મળી શકશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજયમંત્રી ધર્મેદ્રસિંહ જાડેજાએ આ તકે કોરોના સંકટમાંથી સમાજને હેમખેમ ઉગારવા સમાજનો પણ વિવિધ ક્ષેત્રે સહયોગ મળી રહે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.સાથે સાથે જિલ્લામા ઓકિસજનની સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટે તંત્રને સુચન કર્યુ હતુ તેમજ ડીનશ્રી સાથે જી.જી.હોસ્પિટલની વ્યવસ્થાઓ અંગે જરૂરી ચર્ચા કરી સમીક્ષા કરી હતી.

જામનગર શહેરી વિસ્તારની કોવિડ સ્થિતિ અંગેનો ચિતાર રજૂ કરતાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે હાલ ૩૧૯૦ પોઝિટિવ દર્દીઓમાંથી ૨૫૯૧ દર્દીઓ હોમ આઇસોલેટ છે.જેમનું આરોગ્ય ટીમ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.મહાનગરપાલિકા દ્વારા હોમ આઇશોલેશનમાં રહેલા દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે દિશામાં સતત કામગીરી શરૂ છે. શહેરમાં મેડિકલ તથા પેરા મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા નવી નિમણુંકો અંગે કાર્યવાહી કરાઈ રહી છે.શહેરમાં ૧૮ ધન્વંતરિ રથો રોજે રોજ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોની આરોગ્ય સેવા સુનિશ્ચિત કરી રહ્યા છે.જે વિસ્તારોમાં વધુ કેસો નોંધાયા છે ત્યાં માસ કેમ્પેઇન હાથ ધરી વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.૭ સંજીવની રથ, ૧૮ ધન્વંતરિ રથ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સના સહયોગથી લોકોને ઘરે જ સારવાર ઉપલબ્ધ કારવાઈ રહી છે.હાલ રેપીડ એન્ટીજન તેમજ RTPCR ટેસ્ટ મળી દૈનિક ૩૫૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.તેમજ જિલ્લા કલેકટરશ્રીના સહયોગથી બનાવવામાં આવેલી ૧૪ જેટલી ટીમો શહેરમાં સતત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરાવવા કાર્યરત છે.સાથે સાથે શહેરમાં વેકસીનેશન, ઓકિસજન ની સ્થિતિ, જરૂરી દવાઓ વગેરે અંગેની વિગતો પુરી પાડી હતી.આ તકે કમિશનરશ્રીએ વધુમાં વધુ સમાજ તેમજ સામાજિક સંસ્થાઓને કોવિડ મહામારીમાં પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા અપીલ કરી હતી.

જિલ્લાના ગ્રામીણ તથા નગરપાલિકા વિસ્તારો અંગેની કોવિડ સ્થિતિ વિશે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં ૧૪૧૮ એકિટવ કેસ છે જેમાંથી ૧૧૪૫ દર્દીઓ હોમ આઇસોલેટ છે જયારે ૨૭૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.મુખ્યમંત્રીશ્રીના સૂચન મુજબ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૯ પી.એચ.સી. ખાતે ૧૭૩ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે સાથે ૧૩૦ બેડ ઓકિસજન સાથેના પણ તાકીદે ઉભા કરવામાં આવ્યા છે.તેમજ દરેક ગામોમાં આઇશોલેશન સેન્ટર ઉભા કરવા અંગેની પ્રક્રિયા હાલ શરૂ છે તેમ જણાવી ધન્વંતરિ રથ, વેકસીનેશનની કામગીરી, ઓકિસજનની સુવિધા, ટેસ્ટીંગ તથા આવશ્યક દવાઓની સ્થિતિ અંગેની વિગતો પુરી પાડી હતી.

બેઠકમાં ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રેમડેસેવીર ઇન્જેકશન, ઓકિસજન, જરૂરી દવાઓ, આરોગ્ય કેન્દ્રો ખાતે આઇશોલેશન બેડની સંખ્યા વધારવી સહિતના સૂચનો મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા હતા.

પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથેની બેઠક બાદ મંત્રીશ્રી ફળદુએ જી. જી. હોસ્પિટલના આરોગ્ય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં ડીન શ્રીમતી નંદિની દેસાઈ દ્વારા હોસ્પિટલમાં ઓકિસજનની સ્થિતિ, બેડની સંખ્યા, આવશ્યક દવાઓ સહિતની બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં મેયર બીનાબહેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઇ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ  હસમુખભાઇ હિંડોચા, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગર તથા જિલ્લા અને શહેરના અન્ય પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:54 am IST)