Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ભાવનગરમાં કોરોનાનો કહેર ૧૦ના મોત અને ૫૧૨ કોરોના પોઝિટિવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૩,૨૧૩ કેસો પૈકી ૩,૪૨૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧ : ભાવનગર જિલ્લામા વધુ ૫૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૩,૨૧૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૮૫ પુરૂષ અને ૧૧૫  સ્ત્રી મળી કુલ ૩૦૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૮૩, ઘોઘા તાલુકામાં ૪૬, તળાજા તાલુકામાં ૧૮, મહુવા તાલુકામાં ૫, વલ્લભીપુર તાલુકામાં ૯, ઉમરાળા તાલુકામાં ૧૦, પાલીતાણા તાલુકામાં ૨૧, સિહોર તાલુકામાં ૨, ગારીયાધાર તાલુકામાં ૯ તેમજ જેસર તાલુકામાં ૯ કેસ મળી કુલ ૨૧૨ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ તળાજા તાલુકાનાં દિહોર ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં પીથલપુર ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા ખાતે રહેતા બે દર્દીઓ અને મહુવા ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૧૦ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૭૦ અને તાલુકાઓમાં ૧૭૬ કેસ મળી કુલ ૩૪૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૩,૨૧૩ કેસ પૈકી હાલ ૩,૪૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૧૪૧ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:42 am IST)