Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

રણોલના મુસ્લિમ યુવકની હત્યા

લીંબડીના ભલગામડા ગેઇટ પાસેથી લાશ મળી આવી : ધોળા દિ'એ બનેલા બનાવથી સનસનાટી : કારણ અકબંધ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧ : સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખુબ જ કથળી રહી છે

અને જીલ્લામાં લુંટ, ચોરી, હત્યા, ફાયરીંગ સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લીંબડી શહેરની મધ્યમાં આવેલ ભલગામડા ગેઈટ પાસે તીક્ષણ હથિયાર વડે યુવકની હત્યાનો બનાવ બન્યો હતો જે અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી શહેરના ભલગામડા ગેઈટ પાસે દિન-દહાડે એક યુવકની હત્યા નીપજાવેલી હાલતમાં લાશ પડી હતી જેની જાણ થતાં આસપાસ લોકોના ટોળેટોળાં ઉમટી પડયાં હતાં અને આ અંગે વધુ તપાસ હાથધરી હતી.

જેમાં મૃતક યુવકના ખીસ્સામાંથી મળી આવેલ આધાર પુરાવાને ધ્યાને લઈ મૃતક સરફરાજ વડોદરીયા ઉંમર આશરે ૨૬ વર્ષ અને રહેવાસી રળોલવાળો હોવાનું બહાર આવ્યું હતું.

મૃતકની લાશ પાસેથી અમદાવાદ પાસીંગનું બાઈક તેમજ છરીનું કવર મળી આવ્યું હતું જેને આધારે લીંબડી પોલીસે હત્યા નીપજાવી નાસી છુટેલ આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. જયારે હાલ હત્યા પાછળનું કારણ અકબંધ હોય પોલીસે શા માટે યુવકની હત્યા નીપજાવવામાં આવી તે અંગે વધુ તપાસ હાથધરી હતી જયારે દિન-દહાડે લીંબડી શહેરમાં હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

(11:09 am IST)