Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સારવારના અભાવે કચ્છમાં દર્દીઓના મોત વચ્ચે લોકાર્પણની પ્રસિધ્ધિ ભૂખ : દસ દસ એમ્બ્યુલન્સ કલાકો ઊભી રાખી દીધી

હોસ્પિટલના દ્વાર દર્દીઓ માટે બંધ થયા ત્યારે એમ્બ્યુલન્સમાં તરફડીયા મારતાં દર્દીઓ માટે ન પહોંચ્યા, જો ઈ લોકાર્પણ થાત તો એમ્બ્યુલન્સ દર્દીઓની મદદે દોડતી થાત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧ : સારવાર વગર મોતને ભેટી રહેલા લોકોની વાસ્તવિક પરિસ્થિતિ સમજયા વગર ભાજપના નેતાઓની પ્રસિદ્ઘિ ભૂખ હજી શમતી નથી. પ્રમુખ અને મુખ્યમંત્રી પણ લોકાર્પણ કાર્યક્રમોની ના પાડે છે. કોર્ટ પણ કોરોનામાં પ્રજાની પરિસ્થિતિથી દુઃખી થઈ કાન આમળે છે. પણ, સુધરે ઈ બીજા. રાજય સરકારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં કચ્છને ધ્યાને લઈને ફાળવેલ ૧૦ એમ્બ્યુલન્સને લોકાર્પણ કાર્યક્રમ માટે કલાકો સુધી ઊભી રાખી દેવા બદલ લોકોમાં ચર્ચા અને ટીકા નો માહોલ છે.

મધરાતે કચ્છની મુખ્ય કોવીડ હોસ્પિટલના દ્વાર દર્દીઓ માટે બંધ થયા ત્યારે એમ્બ્યુલન્સમાં તરફડીયા મારતા દર્દીઓની વ્હારે એક પણ નેતાઓ પહોંચ્યા નહોતા. પણ ત્યાર પછી એમ્બ્યુલન્સ ના લોકાર્પણ સમયે સૌ એ ફોટા પડાવ્યા હતા.

રાજયમંત્રી વાસણભાઈ આહીરે લીલી ઝંડી આપી હતી તેમની સાથે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સાથે રહ્યા હતા. આ દસે દસ એમ્બ્યુલન્સ સવારે આવી ગઇ હતી, જેને મિટિંગોની વ્યસ્તતાને કારણે કલાકો ઊભી રાખી દેવાઈ હતી. લોકોની ચર્ચાની વાત માનીએ તો વર્તમાન સંજોગોમાં જો ઈ લોકાર્પણ થાત તો દસ દસ એમ્બ્યુલન્સ દર્દીઓના જીવ બચાવવા દોડતી થઈ જાત.

(10:39 am IST)